વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાની ઐતિહાસિક અને ગૌરવમય ધરોહર સમાન ડાંગ દરબાર ને લઇ આ વર્ષે વિવાદ ઊભો થયો છે.સ્થાનિક વહીવટી તંત્ર અને રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા કરોડો રૂપિયાનું આંધણ કરીને કાર્યક્રમો ગોઠવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો વચ્ચે આયોજનમાં સંકલનનો અભાવ અને પરંપરાગત ઔપચારિકતામાં ફેરફાર થતાં રાજવીઓ સહિત નાગરિકોમાં રોષ ફાટી નીકળ્યો છે.ઈતિહાસ સાક્ષી છે કે સને 1818થી 1848 દરમિયાન અંગ્રેજ શાસન સામે અડગ અને અજેય રહેલા ડાંગના રાજવીઓએ પોતાના કિંમતી જંગલોની લીઝ પ્રણાલી અંતર્ગત સાગી વૃક્ષ કાપવાની પરંપરા સ્વીકારી હતી. તેના અવેજમાં હોળી પૂર્વે રાજવીઓને લીઝ રકમ ચૂકવવાની અને હોળી પહેલા ત્રણ દિવસ દરબાર યોજવાની પરંપરા શરૂ થઈ. આઝાદી પછી પણ આ ઐતિહાસિક પરંપરા યથાવત્ રાખવામાં આવી હતી, જેમાં રાજ્યપાલના હસ્તે પાંચ ડાંગી રાજાઓને માનભેર પોલિટિકલ પેન્શન એનાયત કરવામાં આવતું હતું.પરંતુ તા. 26 ફેબ્રુઆરીથી 3 માર્ચ દરમિયાન યોજાનાર આ વર્ષના ડાંગ દરબારમાં પરંપરાગત પ્રોટોકોલમાં ફેરફાર થતાં વિવાદ ઉભો થયો છે. ઉદ્ઘાટન સમારંભમાં રાજ્યપાલની હાજરીના સ્થાને રાજકીય નેતાઓ ઉપસ્થિત રહેશે તેવી માહિતી બહાર આવતા રાજવીઓમાં અસંતોષ વ્યાપ્યો છે. પરંપરા અને પ્રોટોકોલમાં બદલાવને રાજવીઓ પોતાની ઐતિહાસિક માનમર્યાદા સાથે ચેડાં સમાન ગણાવી રહ્યા છે.આ સમગ્ર મુદ્દે ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરે એ તીખું નિવેદન આપતા શાસક ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે, “ડાંગ દરબાર માત્ર સાંસ્કૃતિક કાર્યક્રમ નથી, પરંતુ ડાંગના રાજવીઓની ઐતિહાસિક ઓળખ અને સ્વાભિમાન સાથે જોડાયેલ પરંપરા છે. તેને રાજકીય રંગ આપવો એ અયોગ્ય છે.” તેમણે સરકારને રાજવીઓની પરંપરા યથાવત્ રાખવા હાકલ કરી છે.સ્થાનિક સ્તરે ચર્ચા છે કે કરોડો રૂપિયાનું ખર્ચ દર્શાવી ભવ્ય મંચ, લાઇટિંગ અને પ્રચાર પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જ્યારે ઐતિહાસિક મૂળ તત્વો અને રાજવીઓની માનમર્યાદાને ગૌણ ગણવામાં આવી રહી છે. “આ આયોજન નહીં, પરંતુ તમાશો બની રહ્યો છે,” એવો ગણગનાટ ડાંગ પંથકમાં સંભળાઈ રહ્યો છે.
જિલ્લાના જાગૃત નાગરિકોનું માનવું છે કે ડાંગ દરબારની અસલ ઓળખ અને ઐતિહાસિક મહત્તા જળવાય તે માટે રાજ્ય સરકાર અને વહીવટી તંત્રે તાત્કાલિક હસ્તક્ષેપ કરવો જરૂરી છે. પરંપરા અને પ્રોટોકોલમાં ફેરફાર અંગે સ્પષ્ટતા કરવામાં આવે અને રાજવીઓની માનમર્યાદા સાથે કોઈ સમાધાન ન થાય તે સુનિશ્ચિત કરવું સમયની માંગ છે.ડાંગ જેવી જનજાતિ ધરોહર ધરાવતી ધરતી પર જો ઐતિહાસિક પરંપરાઓ રાજકીય હસ્તક્ષેપના ભોગ બને, તો તે માત્ર એક કાર્યક્રમનો નહીં, પરંતુ સમગ્ર સંસ્કૃતિના અપમાન સમાન ગણાશે. હવે જોવું રહ્યું કે સરકારી તંત્ર આ ઉઠેલા રોષ અને આક્ષેપોને કેટલી ગંભીરતાથી લે છે..




