GUJARATKUTCHMUNDRA

વ્યસન મુક્ત ભારત અભિયાન : કચ્છના મુંદરા પંથકમાં બ્રહ્માકુમારીઝ દ્વારા જનજાગૃતિનો સંદેશ

વાત્સલ્યમ્ સમાચાર

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ

 

વ્યસન મુક્ત ભારત અભિયાન : કચ્છના મુંદરા પંથકમાં બ્રહ્માકુમારીઝ દ્વારા જનજાગૃતિનો સંદેશ

 

મુંદરા:

વર્તમાન સમયમાં યુવાધન અને સમાજમાં વધી રહેલા વ્યસનના દૂષણને ડામવા માટે ભારત સરકાર અને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય વચ્ચે થયેલા કરાર અંતર્ગત સમગ્ર દેશમાં જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ રાષ્ટ્રવ્યાપી અભિયાન હેઠળ દેશના વિવિધ રાજ્યોમાં ૩૫ જેટલા જનજાગૃતિ રથ (વાહન) દ્વારા વ્યસન મુક્તિનો સંદેશ ફેલાવવામાં આવી રહ્યો છે.

કચ્છ જિલ્લામાં આ અભિયાનનો પ્રારંભ ગત તા. ૦૩/૦૨/૨૦૨૬ના રોજ ગાંધીધામથી કરવામાં આવ્યો હતો. અંજાર અને ભુજમાં સફળતાપૂર્વક કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ આ અભિયાન તા. ૧૯/૦૨/૨૦૨૬થી મુંદરા પંથકમાં પ્રવેશ્યું હતું. સતત પાંચ દિવસ સુધી મુંદરાના વિવિધ ગામડાઓ અને સોસાયટીઓમાં આ રથ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

બ્રહ્માકુમારીઝ મુંદરા સેવાકેન્દ્રના સંચાલિકા રાજયોગીની બ્રહ્માકુમારી સુશીલાદીદીએ જણાવ્યું હતું કે આ અભિયાનમાં ‘કુંભકર્ણની ઝાંખી’ દ્વારા લોકોને આળસ અને વ્યસન જેવી ખરાબ આદતો છોડવાનો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો. આ સાથે જ વ્યસનમુક્તિની શોર્ટ ક્લિપ્સ બતાવીને લોકોને તેનાથી થતા શારીરિક અને આર્થિક નુકસાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.

સુશીલાદીદીએ વધુમાં ઉમેર્યું કે “લોકો પાસે ‘લાઈટ’ (જ્ઞાન) તો છે કે વ્યસન હાનિકારક છે, પરંતુ તેમની પાસે તે છોડવા માટેની ‘માઈટ’ (આત્મશક્તિ) નથી. આ આત્મશક્તિ મેળવવા માટે સંસ્થા દ્વારા રાજયોગ મેડિટેશન શીખવવામાં આવ્યું હતું.”

આ અભિયાન અંતર્ગત મુંદરા, ગુંદાલા, ભુજપુર, સાડાઉ, ધ્રબ, ભદ્રેશ્વર અને નાના કપાયા જેવા ગામોની પ્રાથમિક શાળાઓ, હાઈસ્કૂલ અને કોલેજોમાં વિદ્યાર્થીઓને વ્યસનમુક્તિની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ ઉપરાંત જિંદાલ જેવી મોટી કંપનીઓમાં કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા કલાપૂર્ણ સોસાયટી, એલ એન્ડ ટી કોલોની, કમલમ, સત્યમ, પાવાપુરી, સદગુરુ ગ્રીન/હોમ, ઉમિયા નગર, બારોઈ રોડ, બસ સ્ટેન્ડ અને બંદર રોડ જેવા વિસ્તારોમાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આજના સમયમાં ઘરમાં વ્યાપેલી અશાંતિ અને માનસિક તણાવને દૂર કરવા માટે ઈશ્વરીય જ્ઞાન અને રાજયોગ દ્વારા સકારાત્મક જીવનશૈલી અપનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. પરમાત્માના સંદેશ દ્વારા કળિયુગી સૃષ્ટિને પુનઃ સતોપ્રધાન બનાવવાના સંકલ્પ સાથે આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

 

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!