MORBI:મોરબી ગંભીર બીમારીના અસહ્ય દુખાવાથી કંટાળી વૃદ્ધાનું આત્મવિલોપન.

MORBI:મોરબી ગંભીર બીમારીના અસહ્ય દુખાવાથી કંટાળી વૃદ્ધાનું આત્મવિલોપન.
મોરબી: શહેરના શિવપાર્ક સોસાયટી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. છેલ્લા કેટલાક સમયથી શારીરિક અને માનસિક બીમારીથી પીડાતા એક 75 વર્ષીય વૃદ્ધાએ અગ્નિસ્નાન કરી લેતા, સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીની શિવપાર્ક સોસાયટીમાં રહેતા ગોદાવરીબેન મોહનભાઈ પનારા (ઉ.વ. 75) છેલ્લા બે-ત્રણ વર્ષથી બ્લડ પ્રેશર તેમજ માનસિક બીમારીનો સામનો કરી રહ્યા હતા. સતત રહેતી શારીરિક વ્યાધિઓ અને નાની-મોટી બીમારીઓને કારણે તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા હતા. આ શારીરિક તકલીફોથી કંટાળીને તેમણે પોતાના રહેણાંક મકાનમાં જાતે સળગી જઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
હોસ્પિટલ અને પોલીસ કાર્યવાહી આ ઘટનામાં ગોદાવરીબેન ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જોકે, તેમની હાલત નાજુક હોવાથી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું નિધન થયું છે.આ બનાવ અંગેની જાણ થતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે હોસ્પિટલ પહોંચી મૃત્યુ અંગેની નોંધ કરી છે અને આત્મહત્યા પાછળના અન્ય કારણો તેમજ આગળની તપાસ હાથ ધરી છે.









