
તા.૨૬.૦૨.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dhanpur:વર્લ્ડ ટીબી ડે ની ઉજવણીના ભાગ રૂપે ધાનપુર ખાતે ભવાઈ કાર્યક્રમ દ્વારા કરાઇ જનજાગૃતિ
ભવાઈના માધ્યમથી ટીબી કેવી રીતે ફેલાય છે, રોગના પ્રારંભિક લક્ષણો સાથે દવાઓ અને સારવાર સહિતની લોકોને અપાઇ માહિતી દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા મથકે વર્લ્ડ ટીબી ડેની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ ફેલાવવાના હેતુસર ભવાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. આર. ડી. પહાડિયા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.બી.પી.રમન ના માર્ગદર્શન હેઠળ ધાનપુર હાટ બજાર ખાતે યોજાયો હતો.ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ “ટીબી મુક્ત ભારત અભિયાન” અંતર્ગત આયોજિત આ ભવાઈ કાર્યક્રમ દ્વારા સામાન્ય જનતાને ટીબી રોગ અંગે વ્યાપક માહિતી આપવામાં આવી હતી. ભવાઈના માધ્યમથી ટીબી કેવી રીતે ફેલાય છે, રોગના પ્રારંભિક લક્ષણો કયા છે, લાંબા સમયથી ઉધરસ, તાવ, વજન ઘટવું જેવી તકલીફ થાય ત્યારે તાત્કાલિક નજીકની સરકારી આરોગ્ય સંસ્થામાં તપાસ કરાવવાની જરૂરીયાત, ઉપલબ્ધ મફત તપાસ અને દવાઓ તેમજ સારવારનો સંપૂર્ણ કોર્સ પૂર્ણ કરવાનું મહત્વ સરળ અને અસરકારક રીતે સમજાવવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન ટીબી દર્દીઓ પ્રત્યે સમાજમાં રહેલા ભ્રમ અને ભય દૂર કરવા ઉપર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો તથા સમયસર સારવાર લેવાથી ટીબી સંપૂર્ણપણે સાજો થતો રોગ છે એવો સંદેશ જનમાનસ સુધી પહોંચાડવામાં આવ્યો હતો.આ પ્રસંગે પ્રા.આ.કે.રાછવા સુપરવાઇઝર રાજેશ, તાલુકા ટીબી સુપરવાઇઝર નિતીન તેમજ નરોત્તમ, તાલુકા લેપ્રોસી સુપરવાઇઝર શેલેષ, સિકલસેલ કાઉન્સિલર, મેલેરિયા સુપરવાઇઝર કોદરભાઈ, ઇમ્પેક્ટ ઈન્ડિયા ના કો ઓડિનેટર રાજકુમાર બિલવાલ સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા





