SVP હોસ્પિટલમાં POSH અધિનિયમ અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનાર, મહિલાઓ માટે સુરક્ષિત કાર્યસ્થળ પર વિશેષ ભાર

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) હોસ્પિટલ ખાતે કાર્યસ્થળે મહિલાઓની સુરક્ષા અને સશક્તીકરણ વિષયક વિશેષ કાયદાકીય જાગૃતિ સેમિનાર યોજાયો હતો. હોસ્પિટલના વહીવટી સ્ટાફ, નર્સિંગ ટીમ, સિક્યુરિટી કર્મચારીઓ, હાઉસકીપિંગ સ્ટાફ અને તબીબો માટે આયોજિત આ સેમિનારમાં “કાર્યસ્થળે મહિલાઓની જાતીય સતામણી (અટકાયત, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ-2013 (POSH Act)” અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને સુરક્ષિત, નિર્ભય અને સન્માનજનક કાર્યપરિસ્થિતિ ઉપલબ્ધ કરાવવાનો તેમજ સંભવિત અનિચ્છનીય વર્તન સામે કાયદાકીય જોગવાઈઓ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. સેમિનારમાં વિષય નિષ્ણાત ગૌરવભાઈ ઠક્કરે POSH અધિનિયમની મુખ્ય કલમો, આંતરિક ફરિયાદ સમિતિ (Internal Complaints Committee) ની રચના, તેની ભૂમિકા અને કાર્યવાહી પ્રક્રિયા વિશે વિસ્તૃત સમજ આપી હતી.
તેમણે ફરિયાદ નોંધાવવાની પદ્ધતિ, ફરિયાદ માટેની સમયમર્યાદા, તપાસ પ્રક્રિયા અને કાયદાના ભંગ બદલ થતી શિસ્તાત્મક તથા દંડાત્મક જોગવાઈઓ અંગે સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ કાર્યસ્થળે પરસ્પર સન્માન, સંવેદનશીલતા અને જાતિ સમાનતાના મૂલ્યો જાળવવાની આવશ્યકતા પર ભાર મૂકાયો હતો.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સ્ટાફે સક્રિય ભાગીદારી નોંધાવી હતી. વિવિધ વિભાગોના કર્મચારીઓએ પોતાના પ્રશ્નો રજૂ કરી કાયદાની વ્યાખ્યા અને અમલ અંગે ઉદ્ભવતી શંકાઓનું નિવારણ મેળવ્યું હતું. ચર્ચાસત્રમાં ખાસ કરીને આરોગ્ય ક્ષેત્ર જેવી જવાબદારીસભર સેવાઓમાં સુરક્ષિત અને સ્વસ્થ કાર્યપરિસ્થિતિનું મહત્વ ઉજાગર કરવામાં આવ્યું હતું.
જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી વૃતિકા ડી. વેગડાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સરકારી તેમજ ખાનગી સંસ્થાઓએ POSH અધિનિયમનું પાલન કરવું કાનૂની ફરજ છે. દરેક સંસ્થામાં આંતરિક ફરિયાદ સમિતિ કાર્યરત હોવી જોઈએ અને કર્મચારીઓને તેના અસ્તિત્વ તથા કાર્યપદ્ધતિ વિશે માહિતગાર કરવું જરૂરી છે. મહિલાઓને ભયમુક્ત અને સમાનતાભર્યું વાતાવરણ મળે તે માટે સંસ્થાઓએ સતત જાગૃતિ કાર્યક્રમો યોજવા જોઈએ.
કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત કર્મચારીઓએ મહિલાઓના હક, સુરક્ષા અને સન્માન જાળવવા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આયોજિત આ સેમિનાર મહિલા સુરક્ષા અને સશક્તીકરણ તરફનું એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી પગલું સાબિત થયો છે.




