રાજ્યના નાણા અને પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્યમંત્રી શ્રી કમલેશ પટેલે ચોકી સોરઠ ખાતે રૂ.૧૮ કરોડના ખર્ચે પોલીસ તાલીમાર્થીઓ માટે નવનિર્મિત કર્મવીર કેડેટ ભવનનું લોકાર્પણ કર્યું
રાજ્યના નાણા અને પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્યમંત્રી શ્રી કમલેશ પટેલે ચોકી સોરઠ ખાતે રૂ.૧૮ કરોડના ખર્ચે પોલીસ તાલીમાર્થીઓ માટે નવનિર્મિત કર્મવીર કેડેટ ભવનનું લોકાર્પણ કર્યું

રાજ્ય નાણા પોલીસ હાઉસિંગ અને જેલ વિભાગના રાજ્યમંત્રી શ્રી કમલેશ પટેલે આજે જૂનાગઢના ચોકી સોરઠ સ્થિત રાજ્ય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે રૂ.૧૮ કરોડના ખર્ચે નવનિર્મિત અધ્યતન સુવિધા સાથેના કર્મવીર કેડેટ ભવનનું લોકાર્પણ કર્યું હતું.રાજ્યમંત્રીશ્રીએ સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાની ઉપસ્થિતિમાં ગ્રાઉન્ડ ફ્લોર સહિત ૧૦ મંજિલા ઇમારતને તકતી અનાવરણ કરીને ખુલ્લી મૂકી હતી, સાથે જ નવનિર્મિત આ ભવનનું નિરીક્ષણ પણ કર્યું હતું.ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા નવનિર્મિત કર્મવીર કેડેટ ભવનમાં ૪૫૬ જેટલા પોલીસ તાલીમાર્થીને રહેવા માટે અધ્યતન વ્યવસ્થા ઉપલબ્ધ થઈ છે. મહત્વપૂર્ણ છે કે, ગુજરાતમાં પોલીસ તાલીમાર્થીઓ માટે નવી ડિઝાઇન સાથેનું પ્રથમ ભવન ચોકી સોરઠ ખાતે બન્યું છે.આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યએ જે સમૃદ્ધિ અને વિકાસના નવા આયામો જે સર કર્યા છે, તેમાં ગુજરાત રાજ્યનો શાંતિપૂર્ણ માહોલ હોવાથી આ પ્રગતિ શક્ય બની છે, રાજ્યમાં શાંતિ, સલામતી અને સમૃદ્ધિમાં ગુજરાત પોલીસનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.રાજ્યમંત્રીશ્રીએ પોલીસ જવાનોની ફરજ પરસ્તીને બિરદાવતા કહ્યું હતું કે, રાજ્યના પોલીસ જવાનો રહેણાંક માટે સારી સુવિધા મળી રહે તે માટે આગામી સમયમાં ૨૦,૪૦૦ જેટલા આવાસો બનાવવાનો પણ રાજ્ય સરકારે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે, તાજેતરમાં બજેટમાં પણ રૂ.૧૫૭૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમણે રાજ્યની સુરક્ષા, શાંતિ અને સલામતી માટે ગૃહ વિભાગ માટે રૂ.૧૪ હજાર ૨૬૫ કરોડની ફાળવણી પણ કરવામાં આવી છે. તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.તેમણે કહ્યું કે, ગુજરાત સરકારે ખૂબ મોટા પાયે પોલીસ જવાનોની ભરતી કરી છે તાજેતરમાં જ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૧,૭૦૦ જેટલા જવાનોને નિમણૂક ઓર્ડર આપવામાં આવ્યા હતા.રાજ્યમંત્રીશ્રીએ તાજેતરમાં જ જૂનાગઢ ભવનાથ તળેટીમાં મીની કુંભ સમાન મહાશિવરાત્રીના મેળો શાંતિપૂર્ણ રૂપે સંપન્ન થયો તે માટે જિલ્લા પોલીસના પરિશ્રમની સરાહના કરી હતી, આશરે ૨૫ લાખ જેટલા ભાવિકોની સુરક્ષા અને સેવા માટે પોલીસ દિવસ રાત જોયા વગર ખડેપગે રહી હતી.રાજ્યમંત્રીશ્રીએ હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ઉપરાંત શાંતિ અને સલામતી માટેના વિઝનથી આજની પેઢીને કર્ફ્યું મુક્ત વ્યવસ્થા મળી છે, તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.કાર્યક્રમના અંતે રાજ્ય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર, ચોકીના ઇન્ચાર્જ આચાર્ય શ્રી એચ.પી. દોશીએ આભાર વિધિ કરી હતી.આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી બિપિન ઠુંમર, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી પ્રવીણભાઈ પટોડીયા, જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા, ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ ના કાર્યપાલક ઇજનેર શ્રી કે. જે. પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી કે.એસ. પરમાર સહિતના મહાનુભાવો સંગઠનના પદાધિકારીઓ અને પોલીસ અધિકારીઓ જવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ








