NANDODNARMADA

નર્મદા : ફલેમ ઓફ ફોરેસ્ટ – સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 01 માર્ચથી ‘કેસુડા ટ્રેઇલ’નો થશે પ્રારંભ

નર્મદા : ફલેમ ઓફ ફોરેસ્ટ – સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 01 માર્ચથી ‘કેસુડા ટ્રેઇલ’નો થશે પ્રારંભ

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

એકતા નગર ખાતે વસંતઋતુના આગમન સાથે કુદરતનો અનોખો ઉત્સવ ઉજવવા જઈ રહ્યું છે ‘ફલેમ ઓફ ફોરેસ્ટ – કેસુડા ટ્રેઇલ’. વિશ્વકક્ષાનું પ્રવાસન ધામ બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તા. 1 માર્ચથી કેસુડા ટ્રેઇલ શરૂ થવાનો છે. આ અનોખી પ્રાકૃતિક સફરમાં પ્રવાસીઓને વસંતઋતુમાં ખીલેલા કેશરી રંગના કેસુડાના ફૂલોથી છવાયેલા વિંધ્યાચલ પર્વતમાળાના જંગલોનો સાક્ષાત અનુભવ કરાવાશે.

ભારતવર્ષના સ્વપ્નદ્રષ્ટા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પરિકલ્પનાથી વિકસિત સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વૈશ્વિક સ્તરે પ્રવાસન આકર્ષણ બન્યું છે. અત્યાર સુધી દેશ-વિદેશના 2 કરોડથી વધુ પ્રવાસીઓ અહીં મુલાકાત લઈ ચૂક્યા છે. એકતા નગર વિસ્તાર અંદાજે 65,000થી વધુ કેસુડાના વૃક્ષોથી સમૃદ્ધ છે. વસંતઋતુમાં જ્યારે આ વૃક્ષો કેશરી રંગના ફૂલોથી છલકાઈ ઊઠે છે ત્યારે સમગ્ર વિસ્તાર જાણે કુદરતની ચાદર ઓઢી લે છે. આ જ સૌંદર્યને નજીકથી માણવાની તક આપે છે ‘કેસુડા ટ્રેઇલ’. કેસુડો (સંસ્કૃતમાં ‘કિંશુક’, ખાખરો અને પલાશ તરીકે પણ ઓળખાતો) ભારતીય વનવગડાનું અનોખું ગૌરવ છે. વસંતઋતુની શરૂઆત સાથે સૂકા વૃક્ષોની વચ્ચે જ્યારે કેસુડાના કેશરી ફૂલો ખીલે છે ત્યારે સમગ્ર જંગલ જાણે અગ્નિ-શિખાઓથી પ્રગટતું હોય એવું લાગે છે. આ મોહક સૌંદર્ય સાહિત્ય અને કાવ્યોમાં વર્ષોથી ગવાયું છે.

“ખીલ્યો પલાશ પુર બહારમાં રે લોલ,

સઘળી ખીલી છે વનવેલ…”

– સ્વ. નરહરિ ભટ્ટ

 

પ્રવાસીઓ માટે 2 અલગ-અલગ રૂટ તૈયાર કરવામાં આવ્યા છે. શ્રેષ્ઠ ભારત ભવન (SBB) થી બસ દ્વારા પ્રવાસીઓને વિંધ્યાચલ વિસ્તારમાં આવેલા ઘન જંગલ સુધી લઈ જવાશે. ત્યારબાદ નિષ્ણાંત વનકર્મીઓ અને તાલીમબદ્ધ ભોમિયા (ગાઈડ)ની સાથે 3 થી 4 કિમી સુધી કુદરતની વચ્ચે ટ્રેકિંગ કરાવવામાં આવશે. આ દરમિયાન પરાગરજની અદભુત દુનિયા, ખીણો, કોતરો અને કેસુડાના ફૂલોથી સજ્જ વન્ય વારસાનો જીવંત અનુભવ મળશે.

 

સમય સ્લોટ્સ અને ટિકિટિંગ વિગતો

• ટૂર પિકઅપ પોઈન્ટ: શ્રેષ્ઠ ભારત ભવન (SBB)

• ટૂર સમાપ્ત પોઈન્ટ: શ્રેષ્ઠ ભારત ભવન (SBB)

• પ્રવાસનો સમય: સવારે 07:00 થી 10:00 અને સાંજે 04:00 થી 07:00

(મુલાકાતીઓ પોતાની અનુકૂળતા મુજબ સ્લોટ બુક કરી શકશે)

• ટિકિટ બુકિંગ: www.soutickets.in પરથી ઓનલાઇન બુક કરી શકાય છે

 

કેસુડાનું મહત્વ અને ઉપયોગ

1) સાંસ્કૃતિક મહત્વ

કેસુડાના પાંદડાંમાંથી પતરાળાં અને વાટકીઓ બનાવવાની પરંપરા છે. “ધૂળેટી”ના તહેવારમાં તેના ફૂલોથી કુદરતી રંગ અને ગુલાલ બનાવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં આ વૃક્ષને પવિત્ર માનવામાં આવે છે અને વસંતઋતુનું પ્રતિક ગણાય છે.

2) ઔષધીય ગુણો

કેસુડો આયુર્વેદ, સિદ્ધ અને યુનાની પદ્ધતિમાં મહત્વપૂર્ણ ઔષધીય વૃક્ષ છે. તેના ફૂલ અને પાનથી બનાવેલા પાણીથી સ્નાન કરવાથી ગરમી, ચામડીના રોગો, અછબડા-ઓરી જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. નવજાત બાળક માટે પણ કેસુડાનું પાણી ઔષધીય માનવામાં આવે છે.

મધ્ય ગુજરાતના નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદના જંગલોમાં તેની બહોળી સંખ્યા જોવા મળે છે. સફેદ કેસુડો તો અત્યંત દુર્લભ છે.

આદિવાસી સમુદાયને આવકનો સહારો

હોળીના તહેવાર દરમિયાન આદિવાસી સમુદાય દ્વારા કેસુડાના ફૂલોનું વેચાણ કરીને પૂરક આવક મેળવવામાં આવે છે. આ ટ્રેઇલ દ્વારા સ્થાનિક સમુદાયને રોજગાર અને આવકની નવી તકો પણ મળશે.

 

 

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તરફથી તમામ પ્રકૃતિપ્રેમી પ્રવાસીઓને અપીલ છે કે નિષ્ણાંત વનકર્મીઓ અને તાલીમબદ્ધ ભોમિયા (ગાઈડ) સાથે ‘કેસુડા ટ્રેઇલ’માં જોડાઈ કુદરતની આ અનોખી ભેટનો અનુભવ કરો.

Back to top button
error: Content is protected !!