WAKANER:વાંકાનેર-મોરબી હાઈવે પર રોંગ સાઈડમાં આવતી રિક્ષાએ બાઈકને હડફેટે લેતા વૃદ્ધનું મોત

WAKANER:વાંકાનેર-મોરબી હાઈવે પર રોંગ સાઈડમાં આવતી રિક્ષાએ બાઈકને હડફેટે લેતા વૃદ્ધનું મોત
વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. ગતરોજ નવાપરા કટ નજીક વાસુકી દાદાના મંદિર પાસે એક બેફામ ગતિએ આવતી સીએનજી રિક્ષાએ મોટરસાયકલ સવાર વૃદ્ધને જોરદાર ટક્કર મારતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ રિક્ષા ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, વાંકાનેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા વાલજીભાઈ રવજીભાઈ મકવાણા (ઉં.વ. 80) પોતાનું બાઈક (નંબર GJ-03-FC-8095) લઈને મજૂરી કામે જઈ રહ્યા હતા. આ દરમિયાન નવાપરા કટ પાસે સામેથી આવતી સીએનજી રિક્ષા (નંબર GJ-36-U-1562) ના ચાલકે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી, રોંગ સાઈડમાં પૂરઝડપે આવી બાઈકને હડફેટે લીધું હતું.
ગંભીર ઈજા અને મોત આ અકસ્માત એટલો ભયાનક હતો કે વાલજીભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, પરંતુ તકનો લાભ લઈને રિક્ષા ચાલક પોતાની રિક્ષા ત્યાં જ પડતી મૂકીને નાસી છૂટ્યો હતો.
આ અંગે મૃતકના ભત્રીજા મયુરભાઈ રામજીભાઈ મકવાણાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી, રિક્ષા કબજે કરી છે અને ફરાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.









