GUJARAT

જૂનાગઢમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું એક વિશ્વસનીય બજાર… સફળતાપૂર્વક ૫ વર્ષ પૂર્ણ કરશે, વર્ષ ૨૦૨૧માં શરૂ થયેલા પ્રાકૃતિક કૃષિ હાટને જબ્બર પ્રતિસાદ: નિયમિતપણે ખરીદી કરતા ગ્રાહકો

જૂનાગઢમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું એક વિશ્વસનીય બજાર... સફળતાપૂર્વક ૫ વર્ષ પૂર્ણ કરશે, વર્ષ ૨૦૨૧માં શરૂ થયેલા પ્રાકૃતિક કૃષિ હાટને જબ્બર પ્રતિસાદ: નિયમિતપણે ખરીદી કરતા ગ્રાહકો

રાસાયણિક કૃષિના યુગમાં આજે આપણે ‘ઝેર’તો નથી ખાઈ રહ્યા ને એ સવાલ હંમેશા મનમાં મંડરાયા કરે છે. કદાચ કેન્સર કે અન્ય ગંભીર બીમારીઓનો સામનો કરી ચૂકેલા દર્દીઓ અને તેમના પરિજનોને એ સવાલના જવાબનો સુપેરે ખ્યાલ છે. આ સ્થિતિમાં સ્વાસ્થ્યના રક્ષણ માટે પ્રાકૃતિક કૃષિ એક મજબૂત વિકલ્પ તરીકે ઊભરી આવ્યો છે. એ કડીમાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોનું એક આગવું બજાર જૂનાગઢમાં દર રવિવારે ભરાય છે. જે આગામી સ્વાતંત્ર્ય પર્વે તેના સફળ પાંચ વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. વાત માત્ર એટલેથી અટકતી નથી, પરંતુ આ બજાર આજે ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે પરસ્પર ‘વિશ્વાસ અને સ્નેહ’નું કેન્દ્ર બની ગયું છે. શહેરના હૃદયસમા સરદારબાગ ખાતે ભરાતા આ બજારમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પાદિત એટલે કે, જંતુનાશક દવાઓના છંટકાવ અને રાસાયણિક ખાતરના ઉપયોગ વિના તૈયાર થયેલા તાજા લીલા શાકભાજી ઉપરાંત અનાજ, કઠોળ, તેલ વગેરે શુદ્ધ વસ્તુઓ શહેરીજનોને અહીંથી મળી રહે છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને ગુજરાત સરકારના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર અને જૂનાગઢ આત્મા પ્રોજેક્ટ દ્વારા શરૂ થયેલ આ હાટમાં અન્ય બજાર કરતા દૃશ્યો જુદા જોવા મળે છે. અહીં ખરીદી માટે આવતા લોકો અને ખેડૂતો વચ્ચે એક જુદા જ વિશ્વાસ અને સ્નેહનો સેતુ રચાયો છે. અહીં કોઈ ગ્રાહક વહેલી સવારમાં ખેડૂતો માટે ચા લઈને આવે, તો ખેડૂતો ગ્રાહકોને આ ચોમાસાની ઋતુમાં ભજીયા ખવડાવે. પોતાના ખેતરથી શુદ્ધ કૃષિ પેદાશો ગ્રાહકો સુધી પહોંચાડતા ખેડૂતો અને તેમના પર અતૂટ વિશ્વાસ મૂકનારા ગ્રાહકોના આ સંબંધોનું એક અનોખું પ્રકરણ છે. આ આગવા બજાર વિશે વાત કરતા જૂનાગઢ આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર શ્રી ડી.જી. રાઠોડ કહે છે કે, સમગ્ર રાજ્યમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી પ્રાકૃતિક કૃષિનું જે અભિયાન ચાલી રહ્યું છે, તેના જ ભાગરૂપે વર્ષ ૨૦૨૧માં સ્વાતંત્ર્ય પર્વે આ સફળ પ્રયોગ હાથ ધરાયો હતો. પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો પોતાની ખેત પેદાશો જેવા કે શાકભાજી, ફળો, અનાજ, કઠોળ વગેરે તેમજ અન્ય મૂલ્યવર્ધિત કૃષિ પેદાશોનું સીધું જ ગ્રાહકોને વેચાણ કરવાની તક મળે અને શહેરીજનોને શુદ્ધ અને વિશ્વસનીય વસ્તુઓ મળી રહે, સાથોસાથ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તેવા આશય સાથે આ બજાર શરૂ થયું હતું. તેઓ જણાવે છે કે, આ પ્લેટફોર્મને અદ્ભુત સફળતા મળી છે. આજે અહીં નિયમિતપણે ખૂબ મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવે છે. લોકોના ખૂબ સારા પ્રતિસાદથી ઉત્તરોત્તર રીતે ગ્રાહકોની સંખ્યામાં સતત વધારો થયો છે. તેમણે ઉમેર્યું કે, રવિવારે વહેલી સવારથી ભરાતું આ બજાર ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે પૈસા કે વસ્તુની લેવડ-દેવડથી કંઈક વિશેષ બન્યું છે. અહીં નિયમિતપણે ખરીદી માટે આવતા ગ્રાહકો ખેડૂતો માટે ચા લાવે તો ખેડૂતો ગ્રાહકોને ભજીયા ખવડાવવા માટેનું આયોજન કરે. આમ આ એક અનન્ય બજાર બન્યું છે. જૂનાગઢ ખાતેના પ્રાકૃતિક કૃષિ હાટમાં દૂર દૂરથી ખેડૂતો પોતાના કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે આવે છે. ખાસ આ બજારનો પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને એ લાભ થઈ રહ્યો છે કે, અહીં ખેડૂતો ગ્રાહકોને સીધું વેચાણ કરતા હોવાથી તેમને તેમના ખેત ઉત્પાદનોનો ભાવ પણ સારો મળે છે.

શું કહે છે ગ્રાહકો ?
….
આ પ્રાકૃતિક કૃષિ બજારમાં ઘણા મહિનાથી ખરીદી માટે આવતા શ્રી શ્યામ ચારણિયા કહે છે કે, સ્વાસ્થ્યને સારું રાખવા અને બીમારીઓથી બચવા માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પાદિત શાકભાજી, અનાજ, કઠોળ વગેરે વસ્તુઓ આહારમાં લેવી જોઈએ. તેમણે ઉમેર્યું કે, આ એક અનોખું બજાર છે. ખેડૂતો અને ગ્રાહકોનું એક વોટ્સએપ ગ્રુપ બનેલું છે. જેમાં ખેડૂતો જે સામાન લઈને આવવાના હોય તે ગ્રુપમાં શેર કરી દેવામાં આવે છે. ગ્રાહકો તેને મોબાઇલમાં અગાઉના દિવસે જ જોઈ, તેનું પ્રી-બુકિંગ પણ કરી શકે છે. એટલે અહીં તમે ખરીદી કરવા આવો ત્યારે અગાઉથી જ ઓર્ડર મુજબનું તમારું પાર્સલ તૈયાર હોય છે. આ બજારમાં દર રવિવારે ખરીદી માટે આવતા ઓફિસર શ્રી ઓમ શરાફ કહે છે કે, દેશના ઘણા રાજ્યોમાં રહેવાના અનુભવ પરથી જણાયું છે કે, ખાસ શાકભાજીમાં રાસાયણિક જંતુનાશકોના વધુ પડતા વપરાશના કારણે કેન્સરના દર્દીઓ વધી રહ્યા છે. બીજી તરફ લોકોની જીવનશૈલી પણ બદલાઈ છે, કસરત માટે સમય ફાળવી શકતા નથી. આ સ્થિતિમાં શાકભાજી કે અન્ય વસ્તુઓ જેમાં જંતુનાશક દવાઓનો છંટકાવ થાય છે તેવા શાકભાજી લેવાથી શરીરમાં હેવી મેટલ્સ જમા થાય છે, જે કેન્સર જેવી ગંભીર બીમારીઓને નોતરે છે. ત્યારે નિરોગી અને સ્વસ્થ જીવન માટે કેમિકલ અને હેવી મેટલ્સ મુક્ત પ્રાકૃતિક ખોરાક અપનાવવો અત્યંત જરૂરી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ૩૪ વર્ષ સુધી સોઈલ સાયન્ટિસ્ટ તરીકે ફરજ બજાવી ચૂકેલા ડો. કે. બી. પોલરા જણાવે છે કે, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિની જે મુહિમ ચલાવી છે, તેનાથી રાજ્યના ઘણા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરવા માટે પ્રેરિત થયા છે. તેમણે કહ્યું કે, શાકભાજી વગેરે પાકોમાં જંતુનાશક દવાનો છંટકાવ અને કેટલાક વિસ્તારમાં ટ્યુબવેલનું પાણી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે છોડને પ્રભાવિત કરે છે અને તેમાં આ હાનિકારક તત્વો એબ્સોર્બ (શોષણ)થાય છે. આ રીતે ઉત્પાદિત શાકભાજી કે અન્ય વસ્તુઓ ખાવાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓ થાય છે. ખાસ કરીને પેસ્ટીસાઈડ અને કેમિકલ્સના ઉપયોગના લીધે નાની વયના લોકોમાં કેન્સરની બીમારી વધી રહી છે. ત્યારે દરેક જિલ્લા-ગામના ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી ગુજરાતના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું જોઈએ.

શું કહે છે ખેડૂતો ?

વર્ષ ૨૦૧૯થી પ્રાકૃતિક કૃષિ કરતા અને પ્રાકૃતિક કૃષિ હાટમાં પોતાની કૃષિ પેદાશોના વેચાણ અર્થે આવતા તોરણીયા ગામના ખેડૂત શ્રી રમેશભાઈ સાવલિયા જણાવે છે કે, રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ માટે અને તેના માધ્યમથી લોકોને કેમિકલ ફ્રી શાકભાજી, ફ્રૂટ, અનાજ અને કઠોળ મળે અને તેના થકી લોકોનું સ્વાસ્થ્ય જળવાય, એ મુહિમમાં અમે પણ ભાગીદાર થયા છીએ. દર રવિવારે સરદારબાગ અને ગુરુવારે કલેક્ટર કચેરી ખાતે પ્રાકૃતિક કૃષિનું આ હાટ લાગે છે. તેમાં અમે પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ માટે આવીએ છીએ. લોકો તરફથી પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે, એટલું જ નહીં તેમનો પ્રેમ પણ મળ્યો છે. જેના થકી કલાકોમાં જ અમારા શાકભાજી સહિતના કૃષિ ઉત્પાદનોનું વેચાણ થઈ જાય છે. તેવા જ અન્ય પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત શ્રી કરસનભાઈ મજેઠિયા માંગરોળના કંકણા ગામથી આવે છે. તેઓ કહે છે કે, આ પ્રાકૃતિક કૃષિ હાટથી ખેડૂતોને સીધો ફાયદો થાય છે. હોલસેલ માર્કેટ કે યાર્ડ કરતા સીધું જ ગ્રાહકોને વેચાણ કરવાથી ખેડૂતોને ભાવ સારા મળે છે, સાથે જ ખેડૂતોના ઉત્પાદનોનું વેચાણ પણ કલાકોમાં થઈ જાય છે અને ગ્રાહકોનો પણ એટલો જ સહકાર મળે છે. વહીવટી તંત્ર અને આત્મા પ્રોજેક્ટ દ્વારા શરૂ થયેલું આ બજાર પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો માટે ખૂબ ફાયદારૂપ બન્યું છે. આમ, જૂનાગઢ ખાતેના આ બજાર દ્વારા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ફેમિલી ફાર્મરની જે વિભાવના આપી છે, તે પણ ખેડૂતો અને ગ્રાહકો વચ્ચેના સંબંધોથી સાકારિત થઈ રહી છે

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!