GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

પશુઓના મોત અને પ્રદૂષણના કારણે વેજલપુર મોટા તળાવમાં મત્સ્યઉછેર સામે વિરોધ સાથે કલેક્ટરને આવેદનપત્ર સુપરત.

તારીખ ૨૬/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકામાં આવેલા વેજલપુર ગામના મોટા તળાવમાં ચાલી રહેલી મત્સ્યઉછેરની પ્રવૃત્તિના કારણે ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે. તળાવનું પાણી દૂષિત થવાના કારણે ગામમાં રોગચાળો અને પશુઓના મોત થતા હોવાનો આક્ષેપ કરી ગ્રામજનો દ્વારા પંચમહાલ કલેક્ટર, મામલતદાર, તલાટી કમ મંત્રી અને સરપંચને લેખિત રજૂઆત કરી મત્સ્યઉછેર અંગેનો ઠરાવ રદ કરવાની માંગ કરવામાં આવી છે જ્યાં મોહંમદશફી યુસુફ પાડવા અને ગામના અગ્રણીઓએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા ગામના મોટા તળાવમાં મત્સ્યઉછેર (માછલા ઉછેર) માટેનો પરવાનો સિદ્દીક ટપ ઉર્ફે બટાકી સુથાર ને આપવામા આવ્યો છે. પરંતુ મત્સ્યઉછેરના સંચાલકો દ્વારા માછલીના ખોરાક માટે કબૂતર તથા મરઘાંનો એઠવાડ, છાણીયું ખાતર અને ઝેરી રસાયણો/દવાઓ તળાવના પાણીમાં નાખવામાં આવે છે. જેના કારણે તળાવનું તમામ પાણી ભારે દૂષિત થઈ ગયું છે.ગામના અગ્રણીઓના જણાવ્યા મુજબ, આ દૂષિત પાણી પીવાથી ગામના કેટલાંક ઢોર-ઢાંખર અને પશુઓ બીમાર પડ્યા છે અને કેટલાક પશુઓ મોતને ભેટ્યા છે. ઉપરાંત, ગામના મોટાભાગના લોકો તળાવના પાણીનો ઉપયોગ કપડાં ધોવા તથા અન્ય વપરાશ માટે કરતા હોય, દૂષિત પાણીના સંપર્કમાં આવવાથી ગ્રામજનોમાં દાહ, દાદર, ખુજલી જેવા ચામડીના રોગોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે. તળાવ નજીક આવેલા બોર અને કૂવાના પાણી પણ દૂષિત થવાની ભીતિ સેવાઈ રહી છે.અરજીમાં વધુમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે, તળાવ પર કપડાં ધોવા આવતી મહિલાઓ અને અન્ય સ્થાનિક રહીશો સાથે મત્સ્યઉછેરના સંચાલકો અને દારૂના નશામાં રહેતા અસામાજિક તત્વો દ્વારા ગાળાગાળી કરી ઝઘડો કરવામાં આવે છે. ગ્રામજનોને તળાવ નજીક આવતા રોકી દાદાગીરી કરવામાં આવે છે. જે બાબતે પોલીસ સ્ટેશનમાં પણ અવારનવાર અરજીઓ થયેલ છે.આ બાબતે ગ્રામ પંચાયત વેજલપુરના તલાટી કમ મંત્રી દ્વારા પણ અગાઉ મત્સ્યઉછેર કરનાર આસામીને નોટિસ પાઠવવામાં આવી હતી, જેમાં તળાવમાં છાણીયું ખાતર કે મરઘાંનો ખોરાક ન નાખવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.ગામની જનતાના સ્વાસ્થ્ય અને જાહેર હિતને ધ્યાને રાખીને વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવેલો મત્સ્યઉછેરનો ઠરાવ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે અને તળાવમાં કાયમી ધોરણે મત્સ્યઉછેર બંધ કરાવવામાં આવે તેવી માંગણી સાથે ગ્રામજનો એ તંત્ર પાસે ન્યાયિક અને સખત કાર્યવાહીની માંગ કરી છે.

 

Back to top button
error: Content is protected !!