સિવિલ હોસ્પિટલમાં મિનિમલી ઇનવેસિવ ટેક્નિકથી ૮ વર્ષના બાળકનો વિશાળ કોલોનિક પોલીપ સફળતાપૂર્વક દૂર, ઓપન સર્જરીને અલવિદા

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદની સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગે આરોગ્ય સેવાઓના ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. વિભાગ દ્વારા પ્રથમ વખત કોલોનોસ્કોપી જેવી મિનિમલી ઇનવેસિવ ટેક્નિકનો ઉપયોગ કરીને ૮ વર્ષના બાળકના મોટા આંતરડામાં આવેલા વિશાળ કોલોનિક પોલીપને ઓપન સર્જરી વગર સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યો છે. આ સફળતા સરકારી આરોગ્ય વ્યવસ્થામાં એક નવી દિશા દર્શાવે છે.
સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં આ પ્રકારની આધુનિક થેરાપ્યુટિક કોલોનોસ્કોપી દ્વારા વિશાળ પોલીપ દૂર કરવાની આ પ્રથમ ઘટના છે, જે હોસ્પિટલ માટે ગૌરવની બાબત છે.
બાળરોગ સર્જરી વિભાગના વડા ડો. જોષીએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, જિગ્નેશ પ્રજાપતિના ૮ વર્ષીય પુત્ર પ્રણવ પ્રજાપતિને છેલ્લા ત્રણ મહિનાથી ગુદામાર્ગથી રક્તસ્રાવ અને પેટમાં તીવ્ર દુખાવાની સમસ્યા હતી. સ્થાનિક સ્તરે દવાઓથી સારવાર કરાઈ છતાં રાહત ન મળતા બાળકને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. વિગતવાર તપાસ અને કોલોનોસ્કોપી દરમિયાન ટ્રાંસવર્સ કોલોન એટલે કે મોટા આંતરડાના ભાગમાં મોટો પોલીપ હોવાનું નિદાન થયું.
તારીખ ૧૨ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ નિષ્ણાત ટીમ દ્વારા કોલોનોસ્કોપિક પોલીપેક્ટોમી પદ્ધતિથી શસ્ત્રક્રિયા હાથ ધરાઈ હતી. આ ટીમમાં બાળરોગ સર્જન ડો. રાકેશ જોષી, ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ ડો. ભૂમિત પટેલ અને એનેસ્થેટિસ્ટ ડો. સીમા ગાંધીનો સમાવેશ થતો હતો. ગેસ્ટ્રોફિઝિશિયન ડો. ભૂમિત પટેલ સાથે મળીને પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં આ પ્રથમ થેરાપ્યુટિક કોલોનોસ્કોપી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.
શસ્ત્રક્રિયા દરમિયાન આધુનિક એન્ડોસ્કોપિક સાધનોની મદદથી પોલીપને કાપી દૂર કરવામાં આવ્યો હતો. સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન બાળકને કોઈ જટિલતા ન સર્જાઈ અને ઓપન સર્જરીની જરૂરિયાત ટળી. સર્જરી બાદનો સમયગાળો પણ કોઈ કોમ્પ્લિકેશન વગર પસાર થયો હતો. બાયોપ્સી રિપોર્ટ મુજબ પોલીપ “બિનાઇન” એટલે કે સાદી ગાંઠ હોવાનું નિદાન થયું હતું.
હાલ બાળક સંપૂર્ણપણે સ્વસ્થ છે અને ગુદામાર્ગથી રક્તસ્રાવની સમસ્યા સંપૂર્ણપણે દૂર થઈ ગઈ છે. ડોક્ટરોએ જણાવ્યું હતું કે મિનિમલી ઇનવેસિવ પદ્ધતિ દ્વારા ઓછી પીડા, ઓછું જોખમ અને ઝડપી સ્વસ્થતા સાથે સારવાર શક્ય બની છે.
સિવિલ હોસ્પિટલમાં આ નવી સુવિધા શરૂ થતાં હવે બાળકોમાં કોલોનિક પોલીપ જેવી જટિલ સમસ્યાઓ માટે ડાયગ્નોસ્ટિક અને થેરાપ્યુટિક કોલોનોસ્કોપી દ્વારા સારવાર ઉપલબ્ધ બનશે. જેના કારણે ઓપન સર્જરીની જરૂરિયાત નોંધપાત્ર રીતે ઘટશે અને દર્દીઓને ઓછા ખર્ચે ઉત્તમ સારવાર મળી શકશે.
સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગની આ ઉપલબ્ધિ રાજ્યની સરકારી આરોગ્ય સેવાઓમાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સમાન માનવામાં આવી રહી છે.




