AHAVADANG

ડાંગ દરબારને લઈને રાજ્યપાલનાં પ્રોટોકોલમાં ઘોર બેદરકારી; આહવા સિવિલના પેથોલોજીસ્ટ ગેરહાજર રહેતા વહીવટી તંત્રમાં ફફડાટ.

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઉત્સવ ‘ડાંગ દરબાર-૨૦૨૬’ નિમિત્તે રાજ્યના પ્રથમ નાગરિક અને મહામહિમ રાજ્યપાલની મુલાકાત વેળાએ જ આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવતા ચકચાર મચી ગઈ છે.રાજ્યપાલના સત્તાવાર પ્રોટોકોલ અને મેડિકલ ટીમમાં ફરજ હોવા છતાં, આહવા સિવિલ હોસ્પિટલના પેથોલોજીસ્ટ ડૉ. જ્યોતિ વસાવા ગેરહાજર જણાતા સરકારી તંત્રની ‘લાલિયાવાડી’ અને શિસ્ત પર અનેક સવાલો ઉભા થયા છે.મળતી માહિતી મુજબ, ડાંગ દરબારના કાર્યક્રમ અંતર્ગત તા. ૦૧/૦૩/૨૦૨૬ અને ૦૨/૦૩/૨૦૨૬ના રોજ મહામહિમ રાજ્યપાલ આહવા-ડાંગની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન કોઈ પણ તબીબી આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે જનરલ હોસ્પિટલ આહવા દ્વારા ખાસ ‘V.V.I.P TEAM’ અને ‘BASE TEAM’ ની રચના કરવામાં આવી હતી. અધિક્ષક દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર આદેશ  મુજબ, ૧લી માર્ચના રોજ બેઝ ટીમમાં ડૉ. જ્યોતિ એન. વસાવા (પેથોલોજીસ્ટ, વર્ગ-૧) ને ફરજ પર હાજર રહેવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી.રાજ્યપાલ જેવી અતિ મહત્વની વ્યક્તિ (VVIP) ના આગમન સમયે મેડિકલ પ્રોટોકોલનું પાલન કરવું અનિવાર્ય હોય છે.તેમ છતાં, પ્રોટોકોલમાં નામ હોવા છતાં ડૉ. જ્યોતિ વસાવા ફરજ પરથી ગેરહાજર રહ્યા હતા. સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે કે, આહવા સિવિલમાં પેથોલોજીસ્ટ તરીકે ફરજ બજાવતા આ તબીબ અગાઉ પણ પોતાની ફરજમાં અનિયમિત રહ્યા છે, જેના કારણે અંતરિયાળ વિસ્તારના ગરીબ દર્દીઓને લેબોરેટરી તપાસ માટે હાલાકી ભોગવવી પડે છે.જ્યારે રાજ્યના પ્રથમ નાગરિક માટેની સુરક્ષા અને આરોગ્ય વ્યવસ્થામાં જ આવી ગંભીર ચૂક થતી હોય, ત્યારે સામાન્ય આદિવાસી દર્દીઓની હાલત શું હશે? તેવા સવાલ ઉદભવી રહ્યા છે.આ ઘટના બાદ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સામે પણ આંગળી ચીંધાઈ રહી છે.જો પ્રોટોકોલ હેઠળના આદેશોનું પાલન ન થતું હોય તો જવાબદાર અધિકારીઓ શું કરી રહ્યા છે?ગેરહાજર રહેલા તબીબ સામે તાત્કાલિક અસરથી શિસ્તભંગના પગલાં કેમ લેવામાં આવતા નથી?શું ડાંગ જેવા છેવાડાના જિલ્લામાં સરકારી તબીબો મનસ્વી રીતે કામ કરી રહ્યા છે?રાજ્યપાલના સત્તાવાર કાર્યક્રમમાં થયેલી આ ગંભીર ભૂલને ડાંગ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગે અત્યંત ગંભીરતાથી લીધી હોવાનું જણાય છે. જનતામાં એવી માંગ ઉઠી છે કે આ મામલે તાત્કાલિક વિભાગીય તપાસ હાથ ધરવામાં આવે અને જવાબદાર તબીબ સામે કડક દાખલો બેસાડવામાં આવે, જેથી ભવિષ્યમાં રાજ્યના મહાનુભાવોની સુરક્ષા કે સામાન્ય જનતાના સ્વાસ્થ્ય સાથે આવી રમત ન રમાય..

Back to top button
error: Content is protected !!