
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
બાયડ – અણીયોર ગામે ધુળેટી નિમિત્તે પરંપરાગત લઠ રાસ યોજાયો,અંદાજે 30 થી 40 ગામોના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા
બાયડ વિધાનસભા વિસ્તારના માલપુર તાલુકાના અણીયોર ગામે ધુળેટી પર્વ નિમિત્તે વર્ષોથી ચાલી આવતી પરંપરાગત લઠ રાસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી.આ પ્રસંગે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.સાંજના સમયે ઢોલ-નગારા અને પરંપરાગત વાદ્યોના તાલે ગામમાં ઉત્સાહપૂર્ણ માહોલ સર્જાયો હતો. અણીયોર ગામે યોજાતી આ પરંપરાગત લઠ રાસમાં આજુબાજુના અંદાજે 30 થી 40 ગામોના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ રાસ રમે છે, જે આ વિસ્તારની લોકસંસ્કૃતિ અને પરંપરાનું અનોખું દૃશ્ય સર્જે છે.
આ પ્રસંગે તાલુકાના સભ્યો, સરપંચો, સ્થાનિક આગેવાનો તેમજ સામાજિક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ગામજનો દ્વારા ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને કંધા પર બેસાડી પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું અને ઢોલ-નગારા સાથે ઉત્સાહભેર જુમાવવામાં આવ્યા.આ સાથે ધારાસભ્યએ પણ લોકોએ સાથે મળી લઠ રાસમાં ભાગ લીધો અને ઢોલ વગાડી લોકઉમંગમાં સહભાગી બન્યા, જેના કારણે ઉપસ્થિત લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.ધારાસભ્યએ ગ્રામજનોને ધુળેટી પર્વની શુભેચ્છાઓ પાઠવી અને ગામમાં વર્ષોથી જળવાતી આ લોકપરંપરા માટે આનંદ વ્યક્ત કર્યો.આ કાર્યક્રમમાં તાલુકાના આગેવાનો, સરપંચો, કાર્યકર્તાઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.






