DAHODDAHOD CITY / TALUKO

દાહોદ સ્માર્ટ સિટીમાં ‘ગંદકીનું ગ્રહણ’: ૨૦ કરોડના રિવરફ્રન્ટ સામે કચરાના ઢગલામાં ભીષણ આગ

તા.૦૩.૦૩.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ સ્માર્ટ સિટી માં ‘ગંદકીનું ગ્રહણ’: ૨૦ કરોડના રિવરફ્રન્ટ સામે કચરાના ઢગલામાં ભીષણ આગ

​એક તરફ સ્માર્ટ સિટીના નામે કરોડોનો ધુમાડો અને બીજી તરફ કચરાના ઢગલામાં ઉઠતો અસલી ધુમાડો! દાહોદના જૂના વણકર વાસ વિસ્તારમાં નગરપાલિકાની બેદરકારી ફરી એકવાર સામે આવી છે. જ્યાં સ્માર્ટ રિવરફ્રન્ટની બિલકુલ સામે આવેલા કચરાના ગંજમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી.​દાહોદ શહેરના છેવાડામાંથી પસાર થતી ઐતિહાસિક દૂધીમતી નદી, જેની કાયાપલટ કરવા માટે સ્માર્ટ સિટી અંતર્ગત ૨૦ કરોડ રૂપિયાના ખર્ચે આલીશાન રિવરફ્રન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. પરંતુ આ સિક્કાની બીજી બાજુ અત્યંત વરવી વાસ્તવિકતા છે. રિવરફ્રન્ટની બિલકુલ સામે આવેલા સ્લમ વિસ્તાર એટલે કે જૂના વણકર વાસમાં પાલિકા દ્વારા આખા શહેરનો કચરો ઠાલવવામાં આવે છે.જેમાં સાંજના સમયે કચરાના આ વિશાળ ઢગલામાં અચાનક આગ ફાટી નીકળી હતી.રહેણાંક વિસ્તાર હોવાથી સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી હતી અને ધુમાડાના ગોટેગોટાથી શ્વાસ લેવો મુશ્કેલ બન્યો હતો.આ ઘટનાની જાણ થતાં જ દાહોદ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કલાકો સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબુ મેળવાયો હતો.સ્થાનિકોમાં હવે રોષ જોવા મળી રહ્યો છે. પ્રશ્ન એ થાય છે કે, શું ૨૦ કરોડનો રિવરફ્રન્ટ માત્ર દેખાડા માટે છે? એક તરફ સ્માર્ટ સિટીની વાતો થાય છે અને બીજી તરફ ગરીબ વસ્તીની બાજુમાં કચરાના પહાડ ખડકવામાં આવે છે. આજે તો આગ પર કાબુ મેળવી લેવાયો, પણ જો આ આગ વધુ વિકરાળ બની હોત તો તેનો જવાબદાર કોણ હોત? હાલ તો ફાયર બ્રિગેડે આગ બઝાવી દીધી છે, પણ ગંદકી અને જોખમની આ આગ ક્યારે શાંત થશે તે જોવું રહ્યું

Back to top button
error: Content is protected !!