AI જનરેટેડ ફેંસલાને મનાશે મિસ કન્ડક્ટ, સુપ્રીમ કોર્ટનો સૌથી મોટો ચુકાદો

સુપ્રીમ કોર્ટ દ્વારા ન્યાયિક પ્રક્રિયામાં કૃત્રિમ બુદ્ધિ (AI)ના દુરુપયોગ અંગે મહત્વપૂર્ણ અને કડક અભિગમ વ્યક્ત કરવામાં આવ્યો છે. અદાલતે સ્પષ્ટ કહ્યું છે કે, જો કોઈ ન્યાયાધીશ કે વકીલ AI દ્વારા બનાવાયેલા કાલ્પનિક અથવા અસ્તિત્વમાં ન હોય તેવા ચુકાદાઓનો આધાર લઈ નિર્ણય કરે, તો તેને સામાન્ય ભૂલ તરીકે નહીં ગણાય, પરંતુ ગંભીર ગેરવર્તણૂક (મિસ કન્ડક્ટ) તરીકે જોવામાં આવશે. કોર્ટે એટર્ની જનરલ, સોલિસિટર જનરલ અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને નોટિસ જાહેર કરીને તેમના જવાબો માંગ્યા છે.
મીડિયા અહેવાલો મુજબ આ મામલો આંધ્રપ્રદેશ હાઇકોર્ટના એક આદેશને પડકારતી અરજીથી શરૂ થયો. મિલકત વિવાદ સંબંધિત કેસમાં એક નીચલી અદાલતે એડવોકેટ-કમિશનરના અહેવાલ સામેના વાંધાઓ ફગાવી દીધા હતા. પરંતુ તે આદેશમાં કેટલાક એવા ચુકાદાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જે હકીકતમાં અસ્તિત્વમાં જ નહોતા. પછી જાણવા મળ્યું કે, આ કાલ્પનિક કેસો AI ટૂલ્સની મદદથી તૈયાર કરવામાં આવ્યા હતા. હાઇકોર્ટે આ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી, છતાં કેસનો નિર્ણય ગુણવત્તાના આધારે કર્યો. હવે સુપ્રીમ કોર્ટે સમગ્ર મુદ્દાને ગંભીરતાથી લઈને તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
ન્યાયમૂર્તિ પી.એસ. નરસિંહા અને આલોક આરાધેની બેન્ચે જણાવ્યું કે, કાલ્પનિક અને બિનઅસ્તિત્વમાં રહેલા ચુકાદાઓનો ઉપયોગ કરવો માત્ર ‘ચુકાદામાં ભૂલ’ નથી. આવી હરકતને ન્યાયિક ગેરવર્તણૂક માનવામાં આવશે. જવાબદારી નક્કી કરવામાં આવશે અને જરૂરી હોય તો કાનૂની પગલાં લેવામાં આવશે. કોર્ટે એટર્ની જનરલ, સોલિસિટર જનરલ અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને નોટિસ પાઠવીને તેમનો અભિપ્રાય માંગ્યો છે.
સુપ્રીમ કોર્ટનું માનવું છે કે, AI નો વધતો ઉપયોગ, ખાસ કરીને બિનઅધિકૃત રીતે, ન્યાયિક પ્રણાલીની વિશ્વસનીયતા માટે જોખમરૂપ બની શકે છે. એક અલગ કેસની સુનાવણી દરમિયાન પણ મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની બેન્ચે AI દ્વારા બનાવાયેલા નકલી કેસોના ઉલ્લેખ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
અદાલતે સ્પષ્ટ કર્યું છે કે, કાયદાકીય દસ્તાવેજો તૈયાર કરતી વખતે સત્ય અને ચકાસેલી માહિતીનો જ ઉપયોગ થવો જોઈએ. જો કોઈ વ્યક્તિ જાણીને અથવા બેદરકારીથી ખોટા સ્ત્રોતોનો ઉપયોગ કરે, તો તેને કાનૂની પરિણામો ભોગવવા પડશે. હાલમાં સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટને આગળની કાર્યવાહીથી રોકી દીધી છે અને આગામી સુનાવણી 10 માર્ચે નક્કી કરી છે.




