MORBI:મોરબી પ્રેમ, સમરસતા અને માનવતાના રંગોથી યંગ ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ

MORBI:મોરબી પ્રેમ, સમરસતા અને માનવતાના રંગોથી યંગ ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ
બાળકો, વિકાસ વિદ્યાલયની બાળાઓ અને વૃદ્ધાશ્રમના વડીલો સાથે ઉજવાઈ લાગણીસભર ધુળેટી
મોરબી : મોરબી શહેરમાં સમાજસેવાની વિવિધ પ્રવૃત્તિઓ માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ વર્ષે ધુળેટી પર્વની ઉજવણી માનવતા, પ્રેમ અને સમરસતાના સંદેશ સાથે કરવામાં આવી હતી. તહેવારોને માત્ર પરંપરા પૂરતા સીમિત રાખવાને બદલે સમાજના નિરાધાર અને અભાવગ્રસ્ત વર્ગ સુધી ખુશીઓ પહોંચાડવાની ભાવના સાથે આ અનોખી ઉજવણી યોજાઈ હતી, જેના પરિણામે અનેક હૃદયસ્પર્શી અને લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યોએ શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા અને અભાવોથી વંચિત બાળકોને કલર, પિચકારી, ખજૂર અને મીઠાઈના બોક્સ આપીને રંગોત્સવની ખુશીમાં સામેલ કર્યા હતા. સામાન્ય રીતે મુશ્કેલ પરિસ્થિતિઓમાં જીવતા આ બાળકો જ્યારે રંગો અને સ્નેહના સ્પર્શથી ખુશખુશાલ થઈ ગયા ત્યારે ત્યાં હાજર સૌના હૃદય ભાવવિભોર બની ગયા હતા. બાળકોને પ્રેમપૂર્વક રંગ લગાવી તેમની સાથે હાસ્ય-ઉલ્લાસની પળો વહેંચતા એક અનોખું માનવતાભર્યું વાતાવરણ સર્જાયું હતું.
આ ઉપરાંત, યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યોએ વિકાસ વિદ્યાલયની તમામ બાળાઓ સાથે પણ હોળીની ખુશી વહેંચી હતી. બાળાઓ સાથે રંગો રમતા અને સ્નેહભર્યા સંબંધોના રંગો ભળતા એવી લાગણીસભર ક્ષણો સર્જાઈ હતી કે જ્યાં રંગો માત્ર ચહેરા પર નહીં પરંતુ હૃદયોમાં પણ પ્રસરી ગયા હોય તેવી અનુભૂતિ થઈ હતી.
આ રંગોત્સવની વિશેષતા એ રહી કે વૃદ્ધાશ્રમના વડીલો સાથે પણ હોળીના રંગો રમવામાં આવ્યા. જીવનના સંધ્યાકાળે ઘણીવાર એકાંત અનુભવતા વડીલો જ્યારે યુવાનો સાથે હાસ્ય અને રંગોની વચ્ચે જોડાયા ત્યારે તેમના ચહેરા પર પ્રસન્નતાનું અજોડ તેજ જોવા મળ્યું હતું. યુવાનો અને વડીલો વચ્ચેનું આ સ્નેહમય મિલન માનવતા અને સંવેદનાનો જીવંત સંદેશ બની ગયું હતું.
સાચો રંગોત્સવ એ છે જે હૃદય સુધી પહોંચે: ડૉ. દેવેન રબારી
યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડૉ. દેવેન રબારીએ જણાવ્યું હતું કે રંગોત્સવ માત્ર રંગ ઉડાડવાનો તહેવાર નથી, પરંતુ જીવનમાં રહેલા કામ, ક્રોધ, લાલચ અને દ્વેષ જેવા દુર્ગુણોને દૂર કરીને પ્રેમ, મૈત્રી, સમરસતા અને સદગુણોના રંગોથી જીવનને રંગવાનો સંદેશ આપે છે. જ્યારે આપણે કોઈના જીવનમાં ખુશીના રંગ ભરીએ છીએ ત્યારે જ તહેવારનો સાચો અર્થ સાકાર થાય છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દરેક તહેવારને સમાજસેવાની ભાવના સાથે ઉજવવાનો સતત પ્રયાસ કરવામાં આવે છે. ધુળેટીનો પવિત્ર અવસર અધર્મ પર ધર્મના વિજયનો અને સમાજમાં સમરસતા, સમાનતા તથા મૈત્રીભાવ મજબૂત કરવાની પ્રેરણા આપે છે. સમાજના દરેક વર્ગ વચ્ચે પ્રેમ અને સહઅસ્તિત્વની ભાવના વિકસે તે માટે આવા કાર્યક્રમો આગળ પણ યોજાતા રહેશે.










