Rajkot: જનપ્રતિનિધિઓએ ‘લોકસેવક’ બનીને શ્રેષ્ઠ વહીવટ કરવો જોઈએ: કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા

તા.૧૮/૮/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અતિવૃષ્ટિમાં રૂ. ૧૦ હજાર કરોડનું પેકેજ જાહેર કરી રાજ્ય સરકાર ખેડૂતોની પડખે રહી હતી: કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા
આયુષ્યમાન કાર્ડ રિન્યૂ કરવા રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ શરૂ કરાઈ: ડૉ. ઓમ પ્રકાશ
રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા જામકંડોરણા, ગોંડલ ખાતે પંચાયતી રાજ સંસ્થાઓના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો
Rajkot: રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા પંચાયતી રાજ સંસ્થાઓના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના માર્ગદર્શન સેમિનારમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ સભ્યોને ‘લોકસેવક’ બનીને શ્રેષ્ઠ વહીવટ અને કામગીરી કરવા પ્રેરણા આપી હતી.
રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા આજે જામકંડોરણા તથા ગોંડલ ખાતે સરપંચો અને ગ્રામ, તાલુકા પંચાયતના સભ્યો માટે વિશેષ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જનપ્રતિનિધિઓને સંબોધિત કરતા કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે, અધિકારીઓને વહીવટમાં ઉત્કૃષ્ટતા મેળવવા માટે સતત તાલીમ આપવામાં આવે છે, તેવી જ રીતે પાંચ વર્ષ માટે ચૂંટાઈને આવતા જનપ્રતિનિધિઓ પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં શ્રેષ્ઠ વહીવટ આપી શકે તે હેતુથી આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે, લોકશાહી વ્યાવસ્થામાં કોઈ શાસક નથી પરંતુ સૌ ‘લોકસેવક’ છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ પોતાને ‘પ્રધાન સેવક’ ગણાવ્યા છે. દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધીના રસ્તાનું નામ ‘રાજપથ’ માંથી બદલીને ‘કર્તવ્યપથ’ કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે દરેક જનપ્રતિનિધિમાં દેશ પ્રત્યે કર્તવ્ય ભાવ હોવો અત્યંત જરૂરી છે.
પોતાના ૨૫ વર્ષના જનપ્રતિનિધિ તરીકેના અને ૧૫ વર્ષના સરકારમાં કામગીરીના અનુભવો વહેંચતા કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે, જનપ્રતિનિધિએ માત્ર રોડ, રસ્તા કે પાણીના કામો પૂરતા સીમિત ન રહેતા, સામાજિક બદલાવ માટે જનજાગૃતિના કામો કરવા જોઈએ. તેમણે ગ્રામ પંચાયતના સભ્યોને ગામમાં નિયમિત બેઠકો યોજીને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ અટકાવવા, કચરાનો યોગ્ય નિકાલ કરી ગામને સ્વચ્છ રાખવા, ચોમાસા દરમિયાન રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિષયક જાગૃતિ કેમ્પ યોજવા, યુવાનોને નશાથી દૂર રાખવા વ્યાપક લોકજાગૃતિના પ્રયાસો કરવા આહ્વાન કર્યું હતું.
આ તકે ખેડૂતોના હિત માટે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયોની વિગતો આપતા કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અતિવૃષ્ટિના સમયે ખેડૂતોને રાહત આપવા રૂ. ૧૦ હજાર કરોડનું પેકેજ જાહેર કરી સમયસર સહાય ચૂકવવામાં આવી હતી. આ ઉપરાંત, એમ.એસ.પી. અંતર્ગત ખેડૂતો પાસેથી ૧૦૦ ટકા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરીને સરકાર ખેડૂતોના પડખે રહી છે.
તેમણે પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પોતાની સત્તા અને ફરજો પ્રત્યે સભાન રહીને ગામના વિકાસ માટે, સ્વચ્છતા અભિયાન માટે અને “મારું ગામ, આદર્શ ગ્રામ”ના સૂત્રને સાકાર કરવા નિષ્ઠાપૂર્વક કાર્યરત રહેવા અપીલ કરી હતી.
આ તકે ટીબીમુક્ત ભારત અભિયાન અંતર્ગત લાભાર્થીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગોંડલ ખાતેના કાર્યક્રમમાં જિલ્લા ક્લેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, આયુષ્યમાન કાર્ડ રિન્યૂ કરવામાં નાગરિકોને તકલીફ ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમના કાર્ડ આગામી છ મહિનામાં એક્સપાયર થવાના છે, તે તમામ કાર્ડધારકોની યાદી અગાઉથી તૈયાર કરવામાં આવી છે. આ યાદી જિલ્લાના દરેક ગામમાં આપવામાં આવશે. જેથી લાભાર્થીઓને અગાઉથી જ જાણ કરીને આવકનો દાખલો કઢાવીને સમયસર આયુષ્યમાન કાર્ડ રિન્યૂ કરવાની કામગીરી થઈ શકે. આ માટે તેમણે જનપ્રતિનિધિઓને આ કામગીરીમાં સક્રિય યોગદાન આપવા અપીલ કરી હતી.
આ તકે જામકંડોરણા ખાતે સ્થાનિક ધારાસભ્ય શ્રી જયેશ રાદડિયા, અગ્રણી શ્રી અલ્પેશ ઢોલરિયા જ્યારે ગોંડલ ખાતેના કાર્યક્રમમાં અગ્રણી શ્રી જ્યોતિરાદિત્યસિંહ જાડેજા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી સામતભાઈ બાંભવા, ગોંડલ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઈ ઢોલરિયા તેમજ જિલ્લા ક્લેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, જિલ્લા પોલીસ વડા શ્રી વિજયસિંહ ગુર્જર, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.એચ. બારોટ, પ્રાંત અધિકારી શ્રી નાગાજણ તરખલા તથા શ્રી રાહુલ ખાંભરા સહિત પંચાયતી રાજ સંસ્થાઓના તમામ સ્થાનિક જનપ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.





