GUJARATSINORVADODARA

શિનોર પેટા કચેરી mgvcl દ્વારા ટીંબરવા ગામમાં ગ્રાહકોની શંકા દૂર કરવા સ્માર્ટ મીટર સાથે ચેક મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી*

ફૈઝ ખત્રી..શિનોર
રાજ્ય સરકાર દ્વારા વીજ વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા અને ચોકસાઈ લાવવા માટે સ્માર્ટ મીટર લગાવવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત MGVCL – મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના શિનોર પેટા વિભાગ હેઠળ આવતા *ટીંબરવા ગામ*માં સ્માર્ટ મીટર સાથે *ચેક મીટર* લગાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ગ્રાહકોના મનમાં સ્માર્ટ મીટર અંગે પ્રવર્તતી વિવિધ શંકાઓ અને ગેરમાન્યતાઓ દૂર કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઘણા ગ્રાહકોને એવી શંકા છે કે સ્માર્ટ મીટરથી વીજ બિલ વધુ આવે છે. આ શંકાનું નિરાકરણ લાવવા માટે MGVCL દ્વારા ટીંબરવા ગામમાં પસંદગીના ઘરોમાં સ્માર્ટ મીટરની સાથે જૂના પ્રકારનું ચેક મીટર પણ સમાંતર રીતે લગાવવામાં આવી રહ્યું છે.

આ બાબતે માહિતી આપતા શિનોર પેટા વિભાગના અધિકારીએ જણાવ્યું કે, “ચેક મીટર લગાવવાનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોનો વિશ્વાસ કેળવવાનો છે. 2 થી 3 મહિના સુધી બંને મીટરના રીડિંગની તુલના કરવામાં આવશે. જો બંનેના યુનિટમાં કોઈ તફાવત નહીં હોય તો ગ્રાહકોને સ્માર્ટ મીટરની ચોકસાઈ અંગે સંતોષ થશે.”

તેમણે વધુમાં ઉમેર્યું કે, સ્માર્ટ મીટરના કારણે ગ્રાહકોને અનેક ફાયદા થવાના છે. મોબાઈલ એપ્લિકેશન દ્વારા દરરોજનું વીજ વપરાશ જોઈ શકાશે. બિલિંગમાં માનવીય ભૂલની શક્યતા દૂર થશે. ઉપરાંત સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી વીજ વપરાશ કરવા પર યુનિટ દીઠ 60 પૈસાનું રિબેટ પણ મળશે.

ગ્રામજનોએ પણ આ પહેલને આવકારી છે. ગામના આગેવાનોએ જણાવ્યું કે, “ચેક મીટર લાગવાથી અમારી શંકા દૂર થઈ છે. હવે અમે નિશ્ચિંતપણે સ્માર્ટ મીટર સ્વીકારીશું.”

MGVCL દ્વારા જણાવવામાં આવ્યું છે કે ટીંબરવા ગામમાં સફળ પ્રયોગ બાદ શિનોર પેટા વિભાગના અન્ય ગામોમાં પણ આ જ પદ્ધતિ અપનાવવામાં આવશે.

Back to top button
error: Content is protected !!