નવસારી: ગણદેવી ખાતે ખાંડ સહકારી મંડળીઓને સક્ષમ બનાવવા બે દિવસીય “સંવાદ બેઠક” યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ખાંડ સહકારી મંડળીઓ વધુ સક્ષમ બને તેમજ સહકારી ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન મળે તે હેતુસર બે દિવસીય “સંવાદ બેઠક” નું આયોજન નવસારી જિલ્લાના ગણદેવી સ્થિત ગણદેવી ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. ખાતે કરવામાં આવ્યું હતું. આ બેઠકનું આયોજન નિયામક (ખાંડ તંત્ર), ગાંધીનગર તથા જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી, નવસારી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.
આ સંવાદ બેઠકનો મુખ્ય હેતુ ખાંડ સહકારી ક્ષેત્રના વિકાસ અંગે માર્ગદર્શન આપવું, મંડળીઓની કાર્યક્ષમતા વધારવા અંગે ચર્ચા કરવી તેમજ વિવિધ પ્રશ્નો અને પડકારોને લઈને વિચાર વિમર્શ કરવો રહ્યો હતો. બેઠક દરમિયાન ખાંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા પ્રશાસકીય અને તકનીકી મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે નિયામકશ્રી (ખાંડ તંત્ર), ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી નવસારી, જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી વલસાડ, જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી સુરત તથા જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી નર્મદા ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરાંત ગણદેવી, મહુવા, કોપર, વ્યારા, નર્મદા, બારડોલી, ચલથાણ, વડોદરા, સાયણ, મઢી અને પંડવાઈ સહિત વિવિધ સુગર મિલોના મેનેજિંગ ડાયરેક્ટર તથા એગ્રીકલ્ચર ઓફિસરો પણ હાજર રહ્યા હતા.
બેઠક દરમિયાન ખાંડ સહકારી મંડળીઓની કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવવાના માર્ગો, ખેડૂતોને વધુ લાભદાયી યોજનાઓ સાથે જોડવાના પ્રયાસો તેમજ ખાંડ ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે સંકલિત પ્રયત્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ સંવાદ બેઠક સહકારી ખાંડ ઉદ્યોગને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે તેવી લાગણી ઉપસ્થિતોએ વ્યક્ત કરી હતી.





