
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરાના રામાણીયા ખાતે ‘સેવા સેતુ ૨.૦’ કાર્યક્રમ યોજાયો : ૧૩ ગામોના ૧૫૧ લાભાર્થીઓએ આરોગ્ય સેવાનો લાભ લીધો
મુંદરા, તા. 7: ગુજરાત સરકારના ‘નાગરિક સુધી સરકાર’ અભિગમને સાર્થક કરવાના હેતુથી મુંદરા તાલુકાના રામાણીયા ગામે રાજપૂત અતિથિ ગૃહ ખાતે “સેવા સેતુ ૨.૦ (ગ્રામ્ય)” ના બીજા તબક્કાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રી, મુંદરાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ ક્લસ્ટર કાર્યક્રમમાં રામાણીયા સહિત આસપાસના ૧૩ ગામો જેવા કે મોટી ભુજપુર, નાની ભુજપુર, ગેલડા, દેશલપર, પ્રતાપપર, રામાણીયા, કારાઘોઘા, નાની તુંબડી, મોટી તુંબડી, ડેપા, બોચા, બેરાજા અને બાબીયા ના નાગરિકો માટે સ્થળ પર જ વિવિધ સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના માનવીને પોતાના ઘર આંગણે જ વહીવટી અને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવાનો રહ્યો હતો.
આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. મેહુલ બલદાણીયાના સીધા માર્ગદર્શન હેઠળ નાની તુંબડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા સવારથી જ આરોગ્યલક્ષી સેવાઓ પુરી પડવામાં આવી હતી. દિવસ દરમિયાન કુલ ૧૫૧ લાભાર્થીઓને વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો જેમાં ૪૮ લોકોની સામાન્ય આરોગ્ય તપાસ, ૨૫ વ્યક્તિઓની બ્લડ પ્રેશર તપાસ, ૨૫ વ્યક્તિઓની ડાયાબિટીસ તપાસ, ૧૦ વ્યક્તિઓની લોહીની તપાસ અને ૪ વ્યક્તિઓની ગળફા તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત માતૃ-બાળ કલ્યાણ અંતર્ગત ૩ સગર્ભા માતાઓની તપાસ કરવામાં આવી હતી તથા ૨૨ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનો લાભ આપવામાં આવ્યો હતો. જનહિતકારી યોજનાઓના ભાગરૂપે નમોશ્રી યોજનાના ૨ ફોર્મ, રાશન કાર્ડ સુધારાના ૧૧ ફોર્મ અને ૧ વૈદ્યકીય સહાયના ફોર્મ ભરીને સ્થળ પર જ નિકાલની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
આ સફળ આયોજનમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર ઝવેરભાઈ નાથાણી, તાલુકા હેલ્થ વિઝીટર કમળાબેન ફફલ, ફીમેલ હેલ્થ સુપરવાઈઝર સુમિત્રાબેન બલાત, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર રીનલબેન ચારેલ, આરોગ્ય કાર્યકર વિશાલ પંડ્યા, જયાબેન સીજુ તથા સ્થાનિક આશા કાર્યકર પૂનમબેન ગુંસાઈ અને કુરસાબેન પઠાણે ખંતપૂર્વક સેવાઓ આપી હતી. આસપાસના ૧૩ ગામોના લોકોએ એક જ સ્થળે તમામ સેવાઓ મળતા સરકારના આ પ્રજાલક્ષી અભિગમને આવકાર્યો હતો.



વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




