
અરવલ્લી
અરવલ્લી – હિતેન્દ્ર પટેલ
માલપુર – નાથાવાસ ગામે ઠાકોર સમાજ દ્વારા પરંપરાગત ચાડિયા નો મેળો ભવ્ય રીતે યોજાયો
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાથાવાસ ગામે ઠાકોર સમાજ દ્વારા પરંપરાગત ચાડિયા નો મેળો ભવ્ય રીતે યોજાયો હતો. હોળી અને ધુળેટીના બીજા દિવસે ભરાતો આ મેળો વર્ષોથી ચાલતી આવતી આસ્થા અને પરંપરાનું પ્રતિક માનવામાં આવે છે.લોકવાયકા મુજબ હિરણ્યકશ્યપ, પ્રહલાદ અને હોલિકાની કથાથી જોડાયેલી આ પરંપરા આજે પણ અનેક ગામોમાં જીવંત છે. હોલિકા દહન બાદ ચાડિયાનો મેળો ભરવાની પરંપરા અહીં ખાસ રીતે ઉજવાય છે.
નાથાવાસ ગામે યોજાયેલા આ મેળાની શરૂઆત દેવરાજ ધામ મંદિરના મહંત ધનગીરી મહારાજ, અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી દુરાજી ઠાકોર તથા ગામના અગ્રણીઓની હાજરીમાં કરવામાં આવી હતી.મેળામાં માટીના વાસણો, પરંપરાગત ઢોલ-બાણ, લોકહસ્તકલા સામાન તથા ગ્રામ્ય જીવનની ઝાંખી દર્શાવતા તેમજ બીજા અનેક જાતના સ્ટોલો પણ લાગેલા જોવા મળ્યા હતા .નાનાં બાળકો થી લઈને વયોવૃદ્ધો સુધી સૌ કોઈ મેળાનો આનંદ માણી રહ્યા હતા મેળામાં આજુબાજુના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મેળા રસિયાઓ ઉમટી પડ્યા હતા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો.મુલાકાતીઓની સુવિધા અને સલામતી માટે ખાસ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો આ મેળો પ્રાદેશિક સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાનું જીવંત પ્રતિબિંબ બન્યો હતો





