
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – જિલ્લામાં જિલ્લા પંચાયત સીટોના રિઝર્વેશનમાં ફેરફાર, મેઘરજના રાજકારણમાં ગરમાવો , પંચાલ અને મેઘરજ જિલ્લા પંચાયત ની બેઠકમાં ફેરફાર થયો
અરવલ્લી જિલ્લામાં જિલ્લા પંચાયત સીટોના રિઝર્વેશનમાં થયેલા અચાનક ફેરફારને લઈને મેઘરજ તાલુકાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જાહેર કરાયેલા રિઝર્વેશન મુજબ મેઘરજ જિલ્લા પંચાયત સીટ, જે અગાઉ બિન અનામત સામાન્ય હતી, તેને હવે સામાન્ય સ્ત્રી માટે અનામત જાહેર કરવામાં આવી છે. જ્યારે પંચાલ જિલ્લા પંચાયત સીટ સામાન્ય સ્ત્રીમાંથી બદલીને બિન અનામત સામાન્ય સીટ તરીકે જાહેર કરવામાં આવી છે.
આ બદલાવને કારણે સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને મેઘરજ વિસ્તારમાં છેલ્લા ત્રણ ટર્મથી જિલ્લા પંચાયત સીટ મહિલાઓ માટે અનામત આવતી હોવાથી આ મુદ્દો વધુ ચર્ચાનો વિષય બન્યો છે. વર્ષ 2015માં પણ મેઘરજ જિલ્લા પંચાયત સીટ પુરુષમાંથી બદલાઈને સ્ત્રી માટે અનામત જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ 2020માં મેઘરજ જિલ્લા પંચાયત સીટ આદિજાતી સ્ત્રી માટે અનામત જાહેર કરવામાં આવી હતી. હવે ફરી એકવાર આ સીટ સામાન્ય સ્ત્રી માટે અનામત જાહેર થતા સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો ઉભા થવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે.સીટોના રિઝર્વેશનમાં થયેલા આ ફેરફાર બાદ સંભવિત ઉમેદવારો અને રાજકીય પક્ષોમાં ચર્ચાઓ તેજ બની છે. સ્થાનિક સ્તરે આ બદલાવને રાજકીય વ્યૂહરચના સાથે પણ જોડીને જોવામાં આવી રહ્યો છે, જેના કારણે આવનારા સમયમાં મેઘરજ તાલુકાના રાજકારણમાં નવા રાજકીય સમીકરણો ઉભા થઈ શકે છે.




