
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
T-20 વર્લ્ડ કપમાં ભારતનો વિજય : મોડાસા શહેરના ચાર રસ્તા પર ડીજેના તાલે ક્રિકેટ પ્રેમીઓનો જશ્ન
*મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો મોડી રાત્રે આતશબાજીથી આકાશે રંગીન નજારો*
*મોડાસા શહેરના રાજમાર્ગો પર ત્રિરંગા સાથે ઉજવણી, દેશભક્તિનો રંગ અને ઉત્સાહ ગરબા રમ્યા*
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઈસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને રેકોર્ડબ્રેક ત્રીજી વખત ટાઈટલ પોતાના નામે કર્યું છે ભારતીય ક્રિકેટ ટીમની શાનદાર જીત બાદ સમગ્ર દેશમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, ત્યારે મોડાસા શહેર પણ આ વિજયના જશ્નમાં તરબોળ થયું હતું ભારતનો વિજય થતાની સાથે જ મોડાસાના ક્રિકેટ ચાહકો મોટી સંખ્યામાં શહેરના હાર્દસમા ચાર રસ્તા પર ઉમટી પડ્યા હતા ડીજેના તાલે અને આતશબાજી કરી ભવ્ય ઉજવણી કરી હતી.
મોડાસા શહેરના રાજમાર્ગો પર ક્રિકેટ પ્રેમીઓ હાથમાં તિરંગો લઈ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવતા જોવા મળ્યા હતા. ભારતીય ટીમની જીતની ખુશીમાં ઠેર-ઠેર ફટાકડા ફોડીને આતશબાજી કરવામાં આવી હતી. આ જીતનો આનંદ એટલો હતો કે લોકોએ એકબીજાને મીઠાઈ ખવડાવી વધામણી આપી હતી.મોડાસા શહેરમાં ક્રિકેટ પ્રેમીઓએ ન્યુઝીલેન્ડની એક એક વિકેટ પર ફટાકડા ફોડી આનંદ ઉઠાવ્યો હતો ભારતે વિજય પ્રાપ્ત કરતા અનેક લોકોએ ભવ્ય આતશબાજી કરી એક બીજાને ઉત્સાહ પૂર્વક ભેટી પડ્યા હતા મોડાસા શહેરના ચાર રસ્તા પર ભારતના વિજય સાથે લોકોના ટોળેટોળા ઉતરી આવતા ભારે ભીડ ઉમટી હતી ડીજેના તાલે દેશભક્તિના ગીતોથી ક્રિકેટ પ્રેમીઓ ઝૂમી ઉઠ્યા હતા.વાતાવરણ પૂરેપૂરું રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાયેલું જોવા મળ્યું હતું. મોડી રાત સુધી ચાલેલી આ ઉજવણીએ સાબિત કરી દીધું કે મોડાસા સહીત અરવલ્લી જીલ્લાના લોકોમાં ક્રિકેટ પ્રત્યે કેટલો અતૂટ પ્રેમ છે





