ભરૂચ GNFCમાં બોઇલરની ગરમ રાખથી 8 કામદારો દાઝ્યા:તમામને કંપનીની હોસ્પિટલમાં સારવાર અપાઈ



સમીર પટેલ, ભરૂચ
ભરૂચ સ્થિત સરકારી GNFC કંપનીમાં કામગીરી દરમિયાન અકસ્માત સર્જાતા 8 કામદારો દાઝી ગયા હતા. આ ઘટનાને પગલે કંપની પરિસરમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, પ્લાન્ટમાં ચાલી રહેલી પ્રક્રિયા દરમિયાન બોઇલરમાંથી અચાનક ગરમ રાખ ઉડી હતી. આ સમયે નજીકમાં કામ કરી રહેલા 8 કામદારો તેના સંપર્કમાં આવતા દાઝી ગયા હતા. ઘટના બાદ ઇજાગ્રસ્ત કામદારોને તાત્કાલિક સારવાર માટે GNFCની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક કામદાર મોઢાના ભાગે દાઝી ગયો હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય કામદારોને મુખ્યત્વે પગના ભાગે દાઝવાની ઇજા પહોંચી છે. અકસ્માતની જાણ થતા ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ બાદ અકસ્માતનું ચોક્કસ કારણ બહાર આવશે. આ ઘટનાને પગલે કંપનીમાં સુરક્ષા વ્યવસ્થાઓ અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.



