
ફૈઝ ખત્રી…શિનોર
શિનોર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા અપહરણના ગુનામાં અઢી વર્ષથી ફરાર રહેલા આરોપીને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે તેમજ ભોગ બનનાર સગીર કિશોરીને સલામત શોધી કાઢવામાં આવી છે.
માહિતી મુજબ ખાતે તા. 10 નવેમ્બર 2023ના રોજ ભારતીય દંડ સંહિતા કલમ 363 અને 366 હેઠળ ગુનો નોંધાયો હતો. ફરીયાદ મુજબ આરોપી નરેન્દ્રભાઈ ઉર્ફે નંદુ ગુરજીભાઈ વસાવા રહે. પોઇચા ગામડી નવી નગરી તા. નાંદોદ જી. નર્મદાએ ફરીયાદીની 16 વર્ષ 2 માસ ઉંમરની સગીર દીકરીને લગ્ન કરવાની લાલચ આપી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયો હતો. ઘટનાના બાદ આરોપી સતત સ્થળાંતર કરી પોલીસ ધરપકડથી બચવા નાસતો ફરતો હતો.
આ સંદર્ભે પેરોલ-ફર્લો સ્કવોર્ડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જે. જતના માર્ગદર્શન હેઠળ ટીમ બનાવી આરોપી તથા ભોગ બનનારની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટીમના એ.એસ.આઈ. પ્રવિણ વસંતરાવ તથા પોલીસ કોન્સ્ટેબલ તુષારભાઈ અરવિંદભાઈને આરોપી નર્મદા જિલ્લામાં હોવાની ચોક્કસ બાતમી મળી હતી.
બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક વોચ રાખી ટેકનિકલ સર્વેલન્સની મદદથી રાજપીપળા તાલુકાના થરીગામ ની સીમમાંથી આરોપી તથા ભોગ બનનાર કિશોરીને શોધી કાઢી હસ્તગત કર્યા હતા. ત્યારબાદ બંનેને આગળની કાયદેસર ની કાર્યવાહી માટે શિનોર પોલીસ સ્ટેશન માં સોંપવામાં આવ્યા છે.




