GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારીના ગ્રીડ હાઇવે અંડરબ્રિજ નીચે રૂ.૨.૫ કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓ સાથે સૌંદર્ષીકરણની કામગીરી પ્રગતિ હેઠળ..

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના આધુનિકીકરણ અને નાગરિકોની સુખાકારીમાં વધારો કરવાના ઉમદા હેતુ સાથે સતત નવા પ્રકલ્પો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ શ્રેણીના ભાગરૂપે, શહેરના વ્યસ્ત ગ્રીડ વિસ્તારમાં નેશનલ હાઇવે નંબર ૪૮ (NH-48) ના અંડરબ્રિજ નીચે ખાલી પડેલી જગ્યાનો સદુપયોગ કરી, તેને એક પ્રવાસન અને આરામદાયક સ્થળ તરીકે વિકસાવવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે લગભગ ₹૨.૫ કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે, જે શહેરના પ્રવેશદ્વાર સમાન આ વિસ્તારનો દેખાવ સંપૂર્ણપણે કાયાપલટ સમાન સાબિત થશે.આ પ્રોજેક્ટની વિશેષતાઓ અંગે વાત કરીએ તો, અહીં નાગરિકો માટે અત્યાધુનિક ગાર્ડનિંગ અને લેન્ડસ્કેપિંગ કરવામાં આવી રહ્યું છે. વહેલી સવારે અને સાંજના સમયે ચાલવા માટે આકર્ષક વોક-વે (Walking Way) નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, વરિષ્ઠ નાગરિકો અને રાહદારીઓ માટે સુવ્યવસ્થિત બેઠક વ્યવસ્થા તેમજ રાત્રિના સમયે વિસ્તારની શોભામાં વધારો થાય તે માટે રંગબેરંગી અને આધુનિક લાઈટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવશે. પ્રોજેક્ટમાં ગ્રીનરી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે જેથી પ્રદૂષણમાં ઘટાડો થાય અને પર્યાવરણની જાળવણી થઈ શકે.

વર્તમાન સ્થિતિએ આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટના ફેઝ-૧ની ૬૦% જેટલી કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે. ઉપરાંત, અંડરબ્રિજ નીચેના પિલર્સ અને ખાલી જગ્યાને આધુનિક આર્કિટેક્ચરલ ડિઝાઇન સાથે સાંકળી લેવામાં આવશે. બાકીની કામગીરી પણ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે મહાનગરપાલિકાનું તંત્ર અને એન્જિનિયરોની ટીમ સતત નિરીક્ષણ કરી રહી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા જ ગ્રીડ વિસ્તાર માત્ર ટ્રાફિક જંકશન મટીને એક સુંદર પબ્લિક સ્પેસ તરીકે ઉભરી આવશે. ભવિષ્યમાં શહેરના દરેક આઇકોનિક વિસ્તારને સમાન રીતે વિકસાવવાની કામગીરીની યોજના કરવામાં આવી રહી છે. ગ્રીડ વિસ્તાર એ હાઈવે સાથે જોડાયેલો હોવાથી બહારથી આવતા પ્રવાસીઓ પર પણ નવસારીની એક ‘સ્વચ્છ અને સુંદર શહેર’ તરીકેની છાપ ઊભી થશે. આગામી ટૂંક સમયમાં બાકી રહેલું કામ પૂર્ણ કરી આ નવનિર્મિત આધુનિક સ્પોટને જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે, જે નવસારીના આધુનિકીકરણના ઇતિહાસમાં એક મહત્વનું સીમાચિહ્ન સાબિત થશે.

Back to top button
error: Content is protected !!