
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ડોમેસ્ટિક ગેસ સિલિન્ડર મેળવવા માટે ગ્રાહકોમાં ભારે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા 1 માર્ચથી ગેસ સિલિન્ડર માટે KYC અને OTP ફરજિયાત બનાવવામાં આવતા જ ગ્રાહકો અને એજન્સી સંચાલકો બંને માટે મોટી મુશ્કેલીઓ ઉભી થઈ છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના ગરીબ આદિવાસી પરિવારો માટે રસોઈનો આ ગેસ હવે માથાના દુખાવા સમાન બની ગયો છે.ડાંગ જેવા ડુંગરાળ અને વિષમ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા જિલ્લામાં પરિવહનની સુવિધાઓ મર્યાદિત છે. તેમ છતાં, ગૃહિણીઓ અને શ્રમિકો ગેસ સિલિન્ડર મેળવવા માટે 50 થી 60 કિલોમીટર દૂરથી ટેમ્પો કે અન્ય ખાનગી વાહનોમાં ભાડું ખર્ચીને આહવા ખાતેની ગેસ એજન્સી પર આવી રહ્યા છે. કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ ટેકનિકલ ખામીને કારણે ખાલી હાથે પરત ફરવું પડતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.એજન્સી સંચાલકોના જણાવ્યા અનુસાર, સરકારના નવા નિયમ મુજબ દરેક ગ્રાહકનું KYC અપડેટ કરવું અને ડિલિવરી સમયે OTP વેરિફિકેશન કરવું અનિવાર્ય છે. જોકે, ડાંગના અંતરિયાળ વિસ્તારોમાં નેટવર્કની નબળી કનેક્ટિવિટી અને કંપનીના સર્વરમાં આવતી સતત ટેકનિકલ ખામીને કારણે પ્રક્રિયા અત્યંત ધીમી ચાલી રહી છે.ડાંગ જિલ્લામાં અંદાજે 38,000 જેટલા ગેસ ગ્રાહકો છે, જેમાંથી મોટા ભાગના ગ્રાહકો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ નોંધાયેલા છે. આર્થિક રીતે નબળા વર્ગના આ લોકો પાસે હવે રસોઈ બનાવવા માટે લાકડા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી, જેના કારણે ગૃહિણીઓને ધુમાડામાં રસોઈ કરવાની ફરજ પડી રહી છે.સ્થાનિક લોકો અને ગ્રાહકોની સરકાર પાસે એક જ માંગ છે કે જો આટલી કડક રીતે KYC અને OTP અમલી બનાવવા હોય, તો તેની સુવિધા દરેક ગ્રામ પંચાયત સ્તરે ઉપલબ્ધ કરાવવી જોઈએ. જો પંચાયત કચેરીમાં જ આ કામગીરી થાય, તો લોકોને ઉનાળાની આ આકરી ગરમીમાં 60 કિમી દૂર આહવા સુધીના ધક્કા ખાવા ન પડે અને સમય તેમજ નાણાંનો બચાવ થાય.ત્યારે આ મામલે એજન્સી સંચાલકોના જણાવ્યા મુજબ ફરજિયાત કેવાયસી અને ઓટીપી માટે યોગ્ય સર્વર ન હોવું એ મોટી સમસ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે વહીવટી તંત્ર આ આદિવાસી પ્રજાની પીડા સમજીને પ્રક્રિયા સરળ બનાવે છે કે પછી ગ્રાહકોએ હજુ પણ કતારોમાં ઊભા રહીને હાલાકી ભોગવવી પડશે..




