AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

દેશભરમાં એલપીજી ગેસ સંકટ: મોદી સરકારની વિદેશ નીતિ પર કેજરીવાલના આકરા પ્રહાર

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દેશભરમાં ઊભા થયેલા એલપીજી ગેસ સંકટને લઈને કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આ સંકટ માટે કેન્દ્ર સરકારની વિદેશ નીતિ અને તાજેતરના આંતરરાષ્ટ્રીય નિર્ણયો જવાબદાર ગણાવ્યા છે. કેજરીવાલે ચેતવણી આપી કે જો હાલની સ્થિતિ યથાવત્ રહેશે તો દેશમાં એક કરોડથી વધુ લોકો બેરોજગાર થવાનો ભય ઊભો થઈ શકે છે.

બુધવારે આપ મુખ્યાલયમાં સાંસદ સંજય સિંહ અને નેતા જસ્મીન શાહની હાજરીમાં પ્રેસ વાર્તા દરમિયાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે સમગ્ર દેશમાં એલપીજી ગેસની ભારે અછત જોવા મળી રહી છે. એલપીજી ગેસનો ઉપયોગ ઘરોમાં રસોઈ બનાવવા ઉપરાંત હોટલ, રેસ્ટોરન્ટ, નાના-મોટા ઉદ્યોગો અને વિવિધ સેવાઓમાં થાય છે. આ અછતના કારણે અનેક ક્ષેત્રોમાં કામગીરી પર સીધી અસર પડી રહી છે.

કેજરીવાલે જણાવ્યું કે દેશમાં રોજ જેટલું એલપીજી ઉત્પાદન થાય છે તેમાં લગભગ 50 ટકા સુધી ઘટાડો થયો છે. બીજી તરફ દેશની કુલ માંગમાંથી લગભગ 60 ટકા ગેસ આયાત દ્વારા પૂરી કરવામાં આવે છે. આ આયાતમાં મોટો હિસ્સો સ્ટેટ ઓફ હર્મોસ માર્ગ દ્વારા આવતો હતો. હાલમાં આ માર્ગ બંધ થતાં ભારત માટે ગેસની સપ્લાયમાં ભારે ઘટાડો થયો છે, જેના કારણે સમગ્ર દેશમાં સપ્લાય ચેઇન પર ગંભીર અસર પડી છે.

તેમણે જણાવ્યું કે એલપીજી સંકટની સૌથી મોટી અસર હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર પડી રહી છે. કેન્દ્ર સરકારે ઘણા વિસ્તારોમાં હોટલ અને રેસ્ટોરન્ટને એલપીજી ગેસની સપ્લાયમાં ઘટાડો કર્યો છે. સામાન્ય રીતે આવા વ્યવસાયો પાસે ગેસનો લાંબા સમયનો સ્ટોક રાખવાની સુવિધા નથી હોતી. સુરક્ષા કારણોસર તેઓ દરરોજની જરૂરિયાત મુજબ સિલિન્ડર મેળવતા હોય છે. આવી સ્થિતિમાં સપ્લાય બંધ થતા અનેક હોટલ અને રેસ્ટોરન્ટને તાત્કાલિક બંધ કરવાની નોબત આવી છે.

કેજરીવાલના જણાવ્યા મુજબ મુંબઈમાં અત્યાર સુધીમાં લગભગ 20 ટકા હોટલ અને રેસ્ટોરન્ટ બંધ થઈ ચૂક્યા છે અને આગામી થોડા દિવસોમાં આ આંકડો 50 ટકા સુધી પહોંચી શકે છે. તમિલનાડુમાં લગભગ 10 હજાર હોટલ અને રેસ્ટોરન્ટ બંધ થવાની કગારે છે. પંજાબ, એનસીઆર અને અન્ય અનેક રાજ્યોમાં પણ આવનારા દિવસોમાં હજારો વ્યવસાયો પર બંધ થવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. લગ્નની સિઝન ચાલી રહી હોવાથી કેટલાય પરિવારોને પોતાના કાર્યક્રમો મુલતવી રાખવાની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.

ઉદ્યોગ ક્ષેત્રમાં પણ આ સંકટની ગંભીર અસર જોવા મળી રહી છે. ગુજરાતના મોરબી શહેરને ટાઇલ્સ ઉદ્યોગનું કેન્દ્ર માનવામાં આવે છે. અહીં લગભગ 650 જેટલી ઇન્ડસ્ટ્રીઓ કાર્યરત છે. તેમાંમાંથી લગભગ 170 ઇન્ડસ્ટ્રીઓ પહેલેથી જ બંધ થઈ ગઈ છે અને અંદાજે એક લાખ લોકો બેરોજગાર બની ચૂક્યા છે. જો ગેસ સંકટ ચાલુ રહેશે તો દેશભરમાં ઉદ્યોગો પર તેની વ્યાપક અસર પડી શકે છે.

કેજરીવાલે કહ્યું કે એલપીજી ગેસની અછત વચ્ચે બજારમાં બ્લેક માર્કેટિંગ પણ વધતી જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઘરેલું અને કોમર્શિયલ ગેસના ભાવમાં પણ વધારો થયો છે, જેના કારણે સામાન્ય લોકો પર આર્થિક બોજો વધી રહ્યો છે.

વિદેશ નીતિ અંગે વાત કરતાં કેજરીવાલે કહ્યું કે ભારતે દાયકાઓ સુધી નિરપેક્ષ નીતિ અપનાવી હતી અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓમાં કોઈ પક્ષ ન લેવાની પરંપરા જાળવી હતી. પરંતુ તાજેતરમાં પ્રધાનમંત્રી દ્વારા અમેરિકા અને ઇઝરાયેલ સાથે ખુલ્લેઆમ નજીકતા દર્શાવવાના કારણે ઇરાન સાથેના સંબંધોમાં તણાવ સર્જાયો છે. તેમના કહેવા મુજબ આ કારણે ભારતને ગેસ સપ્લાય પર પણ અસર પડી છે.

કેજરીવાલે પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે આ યુદ્ધમાં ભારતનો સીધો હિત નહોતો ત્યારે ભારતે કોઈ પક્ષનો સાથ લેવાની જરૂર નહોતી. તેમણે આક્ષેપ કર્યો કે યુદ્ધ શરૂ થવાના એક દિવસ પહેલાં પ્રધાનમંત્રી દ્વારા ઇઝરાયેલની મુલાકાત અને ત્યાંના નેતૃત્વ સાથેની મુલાકાતે આંતરરાષ્ટ્રીય સંકેતો ખોટા ગયા.

તેમણે કહ્યું કે ભારત જેવા મોટા અને મહત્વના દેશે પોતાની વિદેશ નીતિ સ્વતંત્ર રીતે અને રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને ચલાવવી જોઈએ. ભારતને કોઈ પણ દેશ સામે નતમસ્તક થવાની જરૂર નથી. દેશના લોકો ઇચ્છે છે કે સરકાર મજબૂત અને સંતુલિત વિદેશ નીતિ અપનાવે જેથી દેશના આર્થિક અને વ્યૂહાત્મક હિતોને નુકસાન ન થાય.

કેજરીવાલે અંતમાં જણાવ્યું કે દેશને હાલના સંકટમાંથી બહાર કાઢવા માટે કેન્દ્ર સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. ગેસ સપ્લાયની વૈકલ્પિક વ્યવસ્થા કરવી, ઉદ્યોગોને રાહત આપવી અને સામાન્ય લોકોને વધતા ભાવથી રાહત આપવા માટે સ્પષ્ટ યોજના બનાવવી જરૂરી છે. તેમણે કહ્યું કે જો સમયસર યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો દેશની અર્થવ્યવસ્થા અને રોજગાર પર તેની ગંભીર અસર પડી શકે છે.

Back to top button
error: Content is protected !!