વાગરા પંથકમાં હત્યાની હેટ્રિકથી હાહાકાર! રહાડ અને પીપલીયા બાદ પિસાદમાં ખેલાયો ખૂની ખેલ, હત્યારો કમલેશ જેલના સળિયા પાછળ..

સમીર પટેલ, ભરૂચ
વાગરા પંથકમાં જાણે ગુનેગારોને કાયદાનો કોઈ ખોફ જ રહ્યો ન હોય તેમ છેલ્લા ટૂંકા ગાળામાં એક પછી એક લોહિયાળ ઘટનાઓનો સિલસિલો જોવા મળ્યો છે. પંથકમાં માનવ લોહી સસ્તું થઈ ગયું હોય તેમ રહાડ, પીપલીયા અને હવે પિસાદમાં ખેલાયેલા ખૂની ખેલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કર્યા હતા. પિસાદ ગામે નજીવી બોલાચાલીમાં ઈંટના ઘા ઝીંકી સૂર્યવર્ધન નામના યુવકનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું. આ સતત બની રહેલી ઘટનાઓએ જનતામાં ફફડાટ અને આક્રોશ ફેલાવ્યો છે, જેના કારણે પોલીસની સક્રિયતા પર માછલાં ધોવાઈ રહ્યા હતા. જોકે, આ પડકારજનક સ્થિતિ વચ્ચે વાગરા પોલીસે પણ પોતાની મજબૂત પકડ બતાવી છે. એક તરફ હત્યારાઓ બેફામ બન્યા હતા, તો બીજી તરફ પોલીસે પણ ઈંટનો જવાબ પથ્થરથી આપીને આ ત્રણેય હત્યાના બનાવોમાં સામેલ તમામ નરાધમોને ગણતરીના કલાકોમાં જ લોખંડી સકંજામાં લઈ લીધા છે.
ઔદ્યોગિક પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે વેન્ટિલેટર પર હોય તેવો ઘાતક માહોલ સર્જાયો છે. વાગરા તાલુકામાં રહાડ અને પીપલીયા ગામની લોહીયાળ ઘટનાઓની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં પિસાદ ગામે વધુ એક માનવબલી લેવાતા સમગ્ર પંથકમાં સન્નાટો વ્યાપી ગયો છે. નજીવી બાબતે થયેલી ગાળાગાળીમાં આવેશમાં અંધ બનેલા એક શખ્સે પોતાના જ ગામના યુવકના માથામાં ઈંટના ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દેતા માનવતા એ દમ તોડ્યો છે. સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો વાગરા તાલુકાના પિશાદ ગામે ગત રાત્રે માનવતાને લજવતી લોહિયાળ ઘટના બની હતી, જેમાં નજીવી બોલાચાલીએ એક હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. ગામના પંચાયત ફળિયામાં રહેતા ૭૫ વર્ષીય છગનભાઈ મકવાણાના ૪૩ વર્ષીય પુત્ર સૂર્યવર્ધનની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. રાત્રિના સુમારે મહાદેવ મંદિર નજીક સૂર્યવર્ધન અને કમલેશ મકવાણા વચ્ચે શાબ્દિક સંઘર્ષ થયો હતો, જે ઉગ્ર બનતા કમલેશે પાશવી સ્વરૂપ ધારણ કર્યું હતું. આવેશમાં આવી કમલેશે માથાના ભાગે ઈંટના ઉપરાછાપરી ઘા ઝીંકી દેતા સૂર્યવર્ધન ઘટનાસ્થળે જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો અને અંતિમ શ્વાસ લીધા હતા. ઘટનાની ગંભીરતાને પગલે DYSP પી.એલ. ચૌધરી સહિતનો પોલીસ કાફલો પિસાદ ખાતે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. વાગરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી, હત્યારા કમલેશ વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ૭૫ વર્ષીય લાચાર પિતા છગનભાઈ મકવાણાએ જ્યારે પોતાના જુવાનજોધ પુત્રનો ક્ષત-વિક્ષત દેહ જોયો, ત્યારે તેમના આક્રંદથી પથ્થર દિલના માનવીઓ પણ ધ્રૂજી ઉઠ્યા હતા. અગાઉ રહાડ અને પીપલીયામાં થયેલી હત્યાઓના ડાઘા હજુ સુકાયા નથી ત્યાં પિસાદમાં ખેલાયેલા આ તાંડવે પોલીસની ઉંઘ હરામ કરી દીધી છે. જોકે, પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીને સકંજામાં લઈ લીધો છે. આ રાક્ષસી કૃત્યથી સમગ્ર પંથકમાં ભારે આક્રોશ અને ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વાગરા પંથકમાં ટૂંકા ગાળામાં હત્યાનો આ ત્રીજો બનાવ હોવાથી પોલીસ તંત્રની પ્રતિષ્ઠા દાવ પર લાગી હતી. જોકે, ગુનેગારો ગમે તેટલા શાણા હોય, પણ કાયદાના લાંબા હાથથી બચવું અશક્ય છે. વાગરામાં હત્યાની હેટ્રિકથી ખળભળી ઉઠેલા પોલીસ તંત્રએ પોતાની ગરિમા સાચવી લેવા માટે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. DYSP પી.એલ. ચૌધરી અને PI એચ.બી. ગોહિલના નેતૃત્વમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા કમલેશને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ માત્ર ધરપકડ નથી, પરંતુ સમાજના એવા નરાધમો માટે કડક ચેતવણી છે જેઓ કાયદાને ખિસ્સામાં લઈને ફરે છે. હત્યારા કમલેશ મકવાણાને દબોચી લઈ પોલીસે ગુનેગારોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, ખાખી હજુ જાગતી છે. પોલીસની આ ત્વરિત અને આકરી કાર્યવાહીએ જનતામાં વિશ્વાસ જગાડ્યો છે કે, ભલે અપરાધના ગ્રાફમાં ઉછાળો આવ્યો હોય, પણ ખાખીનો ખોફ હજુ પણ ગુનેગારોના હાડ થીજવી દેવા માટે પૂરતો છે. હવે સમય પાકી ગયો છે કે આવા તત્વો સામે અદાલતમાં પણ એટલી જ કડક પેરવી થાય, જેથી ફરી કોઈ પિસાદ, પિપલીયા કે રહાડ જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય.




