ઝળહળતી રોશની પાછળનું કરુણ અંધારું; પંચમહાલમાં લગ્નપ્રસંગોની મોજ વચ્ચે બાળપણ ઝુમર નીચે દબાયું
શિક્ષણના અધિકારનો છેદ: એક તરફ બોર્ડની પરીક્ષાઓ, બીજી તરફ મજબૂરીના ઉજાગરા

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લામાં હાલ લગ્ન પ્રસંગોની મોસમ પૂરબહારમાં ખીલી છે. ડીજેના તાલે ઝૂમતા લોકો, પેપર શૉટ, ફટાકડા અને ઝળહળતી રોશની વચ્ચે પ્રસંગને યાદગાર બનાવવા લાખોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. પરંતુ, આ ભવ્ય રોશનીની પાછળ એક એવું હૃદયદ્રાવક સત્ય છુપાયેલું છે જે સમાજ અને તંત્ર સામે ગંભીર સવાલો ઊભા કરે છે. પંચમહાલ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં યોજાતા રાત્રિના વરઘોડામાં ૧૦ થી ૧૫ વર્ષના નાના બાળકો માથે ભારેખમ ઝુમર લાઈટ ઊંચકીને ચાલતા જોવા મળી રહ્યા છે. જે ઉંમરે આ બાળકોના હાથમાં પેન અને પુસ્તક હોવા જોઈએ. તે ઉંમરે મજબૂરીએ તેમના ખભા પર પારિવારિક જવાબદારીનો બોજ મૂકી દીધો છે.
હાલ જ્યારે સમગ્ર ગુજરાતમાં ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે મહેનત કરી રહ્યા છે ત્યારે પંચમહાલના અંતરિયાળ ગામડાઓમાં આ દ્રશ્યો કંઇક અલગ જ કહાની કહે છે. માત્ર ૩૦૦ થી ૪૦૦ રૂપિયાની નજીવી રકમ માટે આ કુમળા બાળકો આખી રાત ઉજાગરા કરી શારીરિક શ્રમ કરવા મજબૂર બન્યા છે. એક તરફ સરકાર દ્વારા ભારતીય બંધારણની કલમ ૨૧-A હેઠળ ૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે, ત્યારે બીજી તરફ ગરીબીને કારણે આ બાળકો શિક્ષણથી વંચિત રહી મજૂરીના રસ્તે ધકેલાયા છે.
આ પરિસ્થિતિ પાછળ માત્ર આર્થિક તંગી જ નહીં, પરંતુ સામાજિક ઉદાસીનતા પણ એટલી જ જવાબદાર છે. કેમ કે, બાળ મજૂરી (પ્રતિબંધ અને નિયમન) સુધારા અધિનિયમ, ૨૦૧૬ મુજબ ૧૪ વર્ષથી ઓછી વયના બાળકો પાસે કોઈપણ પ્રકારની મજૂરી કરાવવી એ સજાપાત્ર ગુનો છે. છતાં સામાજિક પ્રસંગોમાં આ પ્રથા વણથંભી ચાલી રહી છે.અહીં પ્રશ્ન કોઈની રોજીરોટી કે લગ્નના વ્યવસાય સામે નથી કારણ કે આ વ્યવસાય અનેક પરિવારોનું ગુજરાન ચલાવે છે. પરંતુ વાંધો ત્યાં છે કે, શું આ રોજીરોટી કમાવવા માટે માત્ર ૧૦ થી ૧૫ વર્ષના કુમળા બાળકોનો જ સહારો લેવો પડે? ગરીબ પરિવારના આ બાળકોને પણ ઊંચા સપના જોવાનો અધિકાર છે, પરંતુ પછાત વિસ્તારોમાં શિક્ષણનો અભાવ હોવાને કારણે તેઓ આ ચક્રમાંથી બહાર આવી શકતા નથી.
તંત્રની જવાબદારી અંગે વાત કરીએ તો, બાળ મજૂરી નાબૂદીના નિયમો કાગળ પર મજબૂત દેખાય છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર તેનું ચુસ્ત પાલન કરાવવામાં ક્યાંક કચાસ રહી જતી હોય તેવું જણાય છે. શિક્ષણ વિભાગ અને શ્રમ વિભાગે આવા અંતરિયાળ વિસ્તારોમાં જઈ વાલીઓને જાગૃત કરવા અને બાળકોને ફરી શાળા તરફ વાળવા માટે જરૂરી પગલાં ભરવા જરૂરી બન્યા છે. જો સમાજ અને તંત્ર સાથે મળીને આ દિશામાં વિચારશે નહીં, તો લગ્નની આ રોશનીમાં અનેક બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહેશે તે ચોક્કસ છે.







