નવસારી કૃષિ યુનિવર્સિટીનો ૨૧ મો પદવીદાન કાર્યક્રમમાં ૬૯૩ વિદ્યાર્થીઓને પદવી;૩૬ વિદ્યાર્થીઓને ૫૭ મેડલ એનાયત….

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*ડિગ્રી મેળવવી એ જીવનનું અંતિમ લક્ષ્ય ન હોવું જોઈએ; પ્રાપ્ત થયેલું જ્ઞાન સમાજ અને રાષ્ટ્રના નિર્માણ માટે ઉપયોગી બનાવવું*
*ભારતીય પરંપરાગત બીજોના સંવર્ધન માટે આગળ આવવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું આહ્વાન*
*પ્રાકૃતિક કૃષિ દ્વારા સ્વસ્થ સમાજ નિર્માણમાં યુવાનોની ભૂમિકા પર ભાર મુકતા રાજ્યપાલશ્રી*
*રાસાયણિક ખેતીના દુષ્પ્રભાવના કારણે ખેડૂતો ખેતી છોડી રહ્યા છે, પ્રાકૃતિક કૃષિ જ એકમાત્ર વિકલ્પ છે*
*કૃષિના વિદ્યાર્થીઓ પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નવીન સંશોધનો કરી કૃષિ સમૃદ્ધિનો નવો માર્ગ કંડારે -રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી*
નવસારી કૃષિ યુનિવર્સિટીનો ૨૧મો પદવીદાન સમારોહ આજે રાજયપાલ અને કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ૩૬ તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિઓ માટે ૫૭ સુવર્ણચંદ્રક એનાયત કર્યા હતા.
યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓના કુલ ૬૯૩ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. રાજ્યપાલશ્રીએ શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠ સંશોધનકર્તા, શ્રેષ્ઠ વિસ્તરણ વૈજ્ઞાનિક, શ્રેષ્ઠ પુરૂષ ખેડૂત અને શ્રેષ્ઠ મહિલા ખેડૂતનું બહુમાન કર્યું હતું.
નવસારી કૃષિ યુનિવર્સિટીના ૨૧મા દીક્ષાંત સમારોહમાં પદવીધારક યુવાઓને અભિનંદન પાઠવી પ્રેરણાદાયી માર્ગદર્શન આપતાં રાજ્યપાલ અને કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કૃષિ ક્ષેત્રના વિદ્યાર્થીઓને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નવીન સંશોધનો કરી કૃષિ સમૃદ્ધિનો નવો માર્ગ કંડારવા આહ્વાન કર્યું હતું. ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ મિશન મોડમાં છે, પરંતુ હજુ તેને વેગવંતુ બનાવવાનું છે, તેમ કહી રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિને નવા યુગનો પ્રારંભ ગણાવી પ્રકૃતિ તરફ પ્રયાણ કરવા અપીલ કરી હતી. દેશના ખેડૂતો અને સમગ્ર વિશ્વ યુવાન પદવીધારકો ભણી આશાભરી નજરે જોઈ રહ્યા છે, તેમ કહી રાજ્યપાલશ્રીએ કૃષિ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે સમયની માંગ અને પડકારોને સમજી પરિવર્તન માટે સજ્જ રહેવા આગ્રહ કર્યો હતો. ખેતી અને ખેડૂતની સમૃદ્વિ માટે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જ સમાધાન છે અને તેને અપનાવવાથી કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ આવશે, તેમ કહી રાજ્યપાલશ્રીએ સમર્થ અને સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં સહયોગી બનવા પદવીધારકોને અનુરોધ કર્યો હતો. રાસાયણિક ખેતીને ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગણાવી રાજ્યપાલશ્રીએ રાસાયણિક ખેતીના દુષ્પ્રભાવ અને દુષ્પરિણામ અંગે તર્ક અને ઉદાહરણો સહિત વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત કૃષિ પેદાશોના ભાવ પ્રમાણમાં સારા મળવાથી અને કૃષિ ખર્ચ નહિવત્ હોવાથી સરવાળે ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાનો પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ પ્રાકૃતિક ખેતી થકી સિદ્ધ થતો હોવાનું જણાવી તેમણે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સબળ નેતૃત્વમાં રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અનેકવિધ પગલા ભરી રહી છે, તેમ ઉમેર્યું હતું. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પદવીધારકોને જીવનના આગામી તબક્કાઓ માટે મંગળકામના પાઠવતાં જણાવ્યું હતું કે, હાઈબ્રીડ બીજ ઘાતક છે, તેથી કૃષિ ક્ષેત્રના વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોએ આપણા વાતાવરણ મુજબ ભારતીય બીજ બનાવવા પડશે. ભારતીય બીજ જ પાક ઉત્પાદન માટે સર્વશ્રેષ્ઠ છે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, પ્રાચીન સમયમાં “દિક્ષાંત”નો અર્થ માત્ર અભ્યાસ પૂર્ણ થવો ન હતો, પરંતુ ગુરુ દ્વારા શિષ્યને આપવામાં આવતો અંતિમ અને જીવનમૂલ્યોભર્યો ઉપદેશ હતો. તેમણે કહ્યું કે, ડિગ્રી મેળવવી એ જીવનનું અંતિમ લક્ષ્ય ન હોવું જોઈએ; પ્રાપ્ત થયેલું જ્ઞાન સમાજ અને રાષ્ટ્રના નિર્માણ માટે ઉપયોગી બનવું એ વધુ મહત્વનું છે. શિક્ષિત યુવાનો પોતાના જ્ઞાન અને કુશળતાથી સમાજના વિકાસમાં સક્રિય યોગદાન આપે તે સમયની જરૂરિયાત છે. આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે મહારાષ્ટ્ર એનિમલ એન્ડ ફિશરી સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.નીતિન પાટીલે દીક્ષાંત સંબોધનમાં જણાવ્યું હતું કે, પદવી મેળવનાર યુવાનો સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી નિભાવે તે જરૂરી છે. કૃષિને ભારતીય અર્થતંત્ર માટેનો મુખ્ય પાયો કહીને ડૉ. પાટીલે પદવીધારકોને જ્ઞાન સાથે કૌશલ્ય અને દ્રષ્ટિકોણ થકી આજના સમયની સમસ્યાનો ઉકેલ લાવવા પ્રેરણા આપી હતી. કૃષિ ઈન્ટ્રિગેટેડ સ્ટાર્ટ-અપની હિમાયત કરી તેમણે પદવીધારકોને નોકરીદાતા બનવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. પદવીદાન સમારોહના પ્રારંભમાં સૌને આવકારતાં યુનિવર્સિટીના કુલપતિ ડૉ.ટી.આર.અહલાવતે યુનિવર્સિટીની સિદ્ધિઓની રૂપરેખા આપી હતી. તેમણે યુનિવર્સિટીએ શૈક્ષણિક ક્ષેત્રે મળેલ સિદ્ધિઓ, ગુણવત્તાયુક્ત બીજ સંશોધન સહિત નવીન વિકસાવેલ પાકની જાતો ઉપરાંત યુનિ.ની ઉપલબ્ધિઓ, વિકાસગાથા, વિવિધ ગતિવિધિઓ, સુવિધાઓ તેમજ પ્રગતિ હેઠળના પ્રોજેક્ટની વિસ્તૃત વિગતો આપી હતી. અંતમાં યુનિ.ના કુલસચિવ ડૉ. એચ. એમ. વિરડીયાએ આભારવિધિ કરી હતી. કાર્યક્રમના પ્રારંભે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને ગાર્ડ ઓફ ઑનર આપવામાં આવ્યું હતું.
આ પદવીદાન સમારોહમાં વિવિધ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ, નવસારી કૃષિ યુનિ.ની વિવિધ વિદ્યાશાખાના વડાઓ, કોલેજના આચાર્યશ્રીઓ, મેનેજમેન્ટ બોર્ડના સભ્યો, એકેડેમિક કાઉન્સિલના સભ્યો, પ્રાધ્યાપકશ્રીઓ, કૃષિ વૈજ્ઞાનિકો, પદવીધારકો તેમજ તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.






