
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત આહવા તાલુકાની ચિકટીયા પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળા ખાતે ગતરોજ ‘શાળા સ્થાપના દિવસ’ ની અત્યંત ઉત્સાહભેર અને ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, શિક્ષણવિદો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. શાળાના આચાર્યા મીનાક્ષીબેન પટેલ દ્વારા તમામ મહેમાનોનું શબ્દોથી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું અભિવાદન કરાયું હતું.સ્થાપના દિવસ નિમિત્તે શાળાના નાના ભૂલકાઓ અને મહેમાનોએ સાથે મળીને કેક કાપી મોં મીઠું કરાવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. બાળકોના ઉત્સાહને વધારવા માટે ઉપસ્થિત મહેમાનો દ્વારા રોકડ ઇનામો આપી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.શુક્કરભાઇ ચૌધરી (ગામના અગ્રણી)એ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં શાળા પરિવાર અને ખાસ કરીને આચાર્યા મીનાક્ષીબેન પટેલને આ સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, આવા કાર્યક્રમોથી બાળકોમાં નવી ઊર્જાનો સંચાર થાય છે અને શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી આશા વ્યક્ત કરી હતી.સીતાબેન (સરપંચ, ચિકટીયા)એ શાળા પરિવારનો આભાર માનતા જણાવ્યું હતું કે, શિક્ષણની સાથે સાથે સંસ્કાર અને ઉત્સાહ વધારતા આવા કાર્યક્રમો ગામના ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી છે.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હેતલબેન, માજી સરપંચ સાંતારામભાઈ, SMC અધ્યક્ષ શર્મિલાબેન, જાનકી કન્યા છાત્રાલયના સંચાલક વર્ષાબેન, કેન્દ્રવર્તી શિક્ષક અમરતભાઈ, આજુબાજુની શાળાઓના શિક્ષકો તેમજ SMC ના સભ્યો હાજર રહ્યા હતા.કાર્યક્રમના અંતે શાળાના શિક્ષક હરેશભાઈ દ્વારા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તમામ મહેમાનો અને બાળકોએ સાથે મળીને સહભોજન લીધુ હતુ.




