
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
શંખેશ્વરના આંગણે કચ્છ વાગડ સાત ચોવીસી જૈન સમાજનો ૧૯મો સમૂહ લગ્ન ઉત્સવ ભવ્યતાથી ઉજવાયો
૦૦૦
બાર નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા: સમાજની એકતા અને સંસ્કારનો ત્રિવેણી સંગમ રચાયો
મુંદરા,તા.13:
કચ્છ વાગડ સાત ચોવીસી જૈન સમાજ દ્વારા ૧૯મો ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ પવિત્ર યાત્રાધામ શંખેશ્વર ખાતે અત્યંત હર્ષોલ્લાસ અને ધામધૂમ પૂર્વક સંપન્ન થયો હતો. આ પ્રસંગે સમાજની એકતા, શક્તિ અને સંસ્કારની સુવાસ ચારેતરફ પ્રસરી હતી. સુરતથી સમ્મેલનના મંત્રી ભોગીલાલ મગવાણીએ વિગતો આપતા જણાવ્યું હતું કે આ ઉત્સવ માત્ર લગ્ન નહીં પણ સામાજિક સમરસતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યો છે.
ઉત્સવની શરૂઆત વહેલી પરોઢે મધુર પ્રભાતિયા અને માંગલિક મંત્રોચ્ચાર સાથે થઈ હતી. લગ્નનું મુખ્ય આકર્ષણ ભવ્ય ‘રજવાડી વરઘોડો’ રહ્યો હતો જેમાં ૧૨ વરરાજાઓ ઘોડા પર સવાર થઈ બેન્ડવાજા અને વિરમગામના ઢોલ-શરણાઈના તાલે નગરચર્યાએ નીકળ્યા હતા. યુવા હૈયાઓના નૃત્ય અને ઉત્સાહથી સમગ્ર વાતાવરણ મંત્રમુગ્ધ બની ગયું હતું. આ ભવ્ય દ્રશ્યોનું યુટ્યુબ પર જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું જેનો હજારો દર્શકોએ લ્હાવો લીધો હતો.
આધુનિકતા અને પરંપરાના સમન્વય સાથે રીંગ સેરીમની અને કેક કટિંગ દ્વારા ખુશીઓ વ્યક્ત કરવામાં આવી હતી. યુવા સંગીતકાર મૈત્રી સંઘવી અને તેમની ટીમ દ્વારા પ્રસ્તુત લગ્નગીતોએ માહોલમાં રોમાંચ ભરી દીધો હતો. ગોર મહારાજના વિધિવત મંત્રોચ્ચાર વચ્ચે ૧૨ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડી સુખમય દાંપત્ય જીવનના શ્રીગણેશ કર્યા હતા.
લગ્ન વિધિ બાદ યોજાયેલા સત્કાર સમારંભમાં મુખ્ય દાતા માતૃશ્રી ભાનુમતિબેન બાબુલાલ સંઘવી તથા માતૃશ્રી દમયંતીબેન મોહનલાલ કાંકરેચા સહિત તમામ દાતાશ્રીઓનું શાલ, તિલક અને સ્મૃતિચિહ્ન આપી બહુમાન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સલાહકાર અમૃતલાલભાઈ વોરાના માર્ગદર્શન હેઠળ નિલેશભાઈ કુબડીયા, રાકેશભાઈ સંઘવી, શૈલેષભાઈ લોદરીયા અને વિમલભાઈ મહેતાએ રાત-દિવસ જહેમત ઉઠાવી હતી. ખાસ કરીને ‘લોડાઈ ગ્રુપ’ના સભ્યોએ મંડપ વ્યવસ્થાથી લઈ તમામ પાયાની કામગીરીમાં ખડેપગે રહી સેવા આપી હતી. આ ઉપરાંત પંકજભાઈ પટવા, સંદીપભાઈ દોશી, પ્રકાશભાઈ સંઘવી અને સમિતિના તમામ સભ્યોએ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી.
મુન્દ્રા તપગચ્છ જૈન સંઘના સહમંત્રી વિનોદ મહેતાએ જણાવ્યું હતું કે આ સમૂહ લગ્ન ઉત્સવ સમાજના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ તરીકે અંકિત થયો છે જે દેખાડા વગર સાદગી અને સંસ્કારનો સાચો સંદેશ આપે છે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




