
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસામાં ગેરકાયદેસર ગેસ રીફીલીંગનો ભાંડાફોડ : એક ઇસમ ઝડપાયો
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં લોકોની જીંદગી જોખમમાં મૂકે તેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે મોડાસા ટાઉન પોલીસે સફળ કાર્યવાહી કરી એક ઇસમને ઝડપી પાડ્યો છે. શહેરના કસ્બા વિસ્તારના શહીદ ચોક, પરબડી બજાર વિસ્તારમાં રહેતો એક શખ્સ મોટી ગેસ બોટલોમાંથી નાની બોટલોમાં અનઅધિકૃત રીતે ગેસ રીફીલીંગ કરી વેચાણ કરતો હોવાની માહિતીના આધારે પોલીસએ દરોડો પાડ્યો હતો.
ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર ડી.બી. વાળા ની સૂચનાથી પોલીસ ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સ્થળ પર પહોંચી હતી. જ્યાં નિમેશભાઈ કીરીટભાઈ ભાવસાર નામનો ઇસમ પોતાના મકાનમાં “KC Gas” નામથી કોઈપણ પ્રકારની સલામતી વ્યવસ્થા વગર ગેસ રીફીલીંગ કરતો ઝડપાયો હતો.તપાસ દરમિયાન પોલીસને સ્થળ પરથી કુલ 14 નાની મોટી ગેસ બોટલો, એક વજન કાંટો, બે રીફીલીંગ પાઈપ તથા બે ગેસ ટ્રાન્સફર પીન મળી આવ્યા હતા. કુલ રૂ.9,250 કિંમતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આરોપી પાસે આ કામગીરી માટે કોઈપણ પ્રકારનો અધિકૃત પરવાનો પણ નહોતો.પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે આવી જોખમી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે માહિતી મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી.
પકડાયેલ આરોપીનું નામ
નિમેશભાઈ કીરીટભાઈ ભાવસાર રહેવાસી : શહીદ ચોક, પરબડી બજાર, મોડાસા, તા.મોડાસા,જી.અરવલ્લી





