
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ભીલોડા વિસ્તારમાં શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો ઝડપી પાડતી અરવલ્લી એસ.ઓ.જી. ટીમ,વિજય સેલ્સ નામની દુકાનમાં ભેળસેળયુક્ત ખાદ્ય તેલનો જથ્થો મળી આવ્યો
અરવલ્લી જિલ્લામાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના વેચાણ સામે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસ ટીમ દ્વારા ભીલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો ઝડપી પાડવાની સફળ કામગીરી કરવામાં આવી છે.માહિતી મુજબ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. ગરાસીયાની સૂચના મુજબ સ્ટાફ ભીલોડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે ભીલોડા બજારમાં આવેલ વિજય સેલ્સ નામની દુકાનમાં ભેળસેળયુક્ત ખાદ્ય તેલનો જથ્થો રાખી વેચાણ કરવામાં આવે છે. મળેલી માહિતીના આધારે એસ.ઓ.જી. ટીમે ખોરાક અને ઔષધ નિયામક તંત્રના અધિકારીઓને સાથે રાખી સ્થળ પર રેડ કરી હતી.
રેડ દરમિયાન સ્થળ પરથી મસ્ટર્ડ ઓઇલ, સોયાબીન ઓઇલ તથા સિંગતેલ સહિતનો મોટા પ્રમાણમાં શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. ખોરાક અને ઔષધ નિયામક તંત્ર દ્વારા તેલના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને વધુ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. સાથે જ સંબંધિત વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ કામગીરીમાં પી.આઈ. એચ.પી. ગરાસીયા, પી.એસ.આઈ. એ.એચ. રાઠોડ, એ.એસ.આઈ. ઇમરાનખાન નજામિયા, એ.એસ.આઈ. કેતનભાઈ મહેશભાઈ, હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ કાવજીભાઈ, સિદ્ધરાજસિંહ પ્રવિણસિંહ, ફ્રાન્સીસભાઈ લક્ષ્મણભાઈ, પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈ વિષ્ણુભાઈ તથા ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ યોગેશભાઈ મંગાભાઈ સહિતના સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.પોલીસ દ્વારા જણાવ્યું હતું કે ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો વેચતા તત્વો સામે આવી જ રીતે કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.





