WAKANER વાંકાનેર જેતપરડા ગામની પ્રેરણાદાયી પહેલ: એક જ વર્ષમાં બીજી વખત બ્લડ ડોનેશન કેમ્પ યોજી 51 બોટલ રક્ત એકત્રિત કરાયું




WAKANER વાંકાનેર જેતપરડા ગામની પ્રેરણાદાયી પહેલ: એક જ વર્ષમાં બીજી વખત બ્લડ ડોનેશન કેમ્પ યોજી 51 બોટલ રક્ત એકત્રિત કરાયું

વાંકાનેર માનવતા અને સેવાના કાર્યોમાં મોટું દિલ રાખવા માટે મોટું શહેર હોવું જરૂરી નથી, તે જેતપરડા જેવા નાનકડા ગામે સાબિત કરી બતાવ્યું છે. જેતપરડા ગામમાં આજે “માસુમ સેવા ફાઉન્ડેશન” દ્વારા કરબલાના શહીદોની યાદમાં એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ ભારે ઉત્સાહ દાખવીને એક જ વર્ષમાં આ બીજી વખત રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો છે

હાલના સમયમાં સતત વધી રહેલા વાહન વ્યવહાર અને હાઈવે પર થતા અકસ્માતોને કારણે સમયસર લોહી ન મળવાથી ઘણા લોકો જીવ ગુમાવતા હોય છે. “એક વ્યક્તિ દ્વારા આપવામાં આવેલું લોહી ત્રણ વ્યક્તિના જીવ બચાવી શકે છે” – આ ઉમદા વાતને જેતપરડાના ગ્રામજનો અને યુવાનોએ ખૂબ સારી રીતે સમજી છે. આ જ જાગૃતિના પરિણામે ગામલોકોએ ઉત્સાહભેર રક્તદાન કરીને ૫૧ (51) બોટલ જેટલું રક્ત એકત્રિત કર્યું હતું.”એક વર્ષમાં બે વખત બ્લડ ડોનેશન કેમ્પ યોજીને જેતપરડા ગામે સમગ્ર પંથકમાં સેવાકીય ભાવનાનું એક ઉત્તમ અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.”કેમ્પ દરમિયાન ગામના યુવાનોથી લઈને વડીલો સુધીના તમામ લોકોએ સ્વેચ્છાએ રક્તદાન કર્યું હતું. માસુમ સેવા ફાઉન્ડેશનના સભ્યો દ્વારા કેમ્પનું સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું અને રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. નાનકડા એવા જેતપરડા ગામની આ ભગીરથ કામગીરીને આજુબાજુના વિસ્તારોમાં પણ ભારે બિરદાવવામાં આવી રહી છે.



