અમદાવાદ જિલ્લામાં એલપીજી ગેસ પુરવઠો પૂરતો અને સુરક્ષિત: નાગરિકોને અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
વૈશ્વિક પરિસ્થિતિ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઊભી થયેલી અનિશ્ચિતતાઓ વચ્ચે અમદાવાદ જિલ્લામાં એલપીજી ગેસનો પુરવઠો સંપૂર્ણપણે સુરક્ષિત અને પર્યાપ્ત હોવાનું જિલ્લા કલેક્ટર સુજીતકુમારે જણાવ્યું છે. તેમણે નાગરિકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને નિશ્ચિંત રહેવાની અપીલ કરી છે. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં સમગ્ર જિલ્લામાં એલપીજી ગેસની સપ્લાય અને વિતરણ વ્યવસ્થાની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન જિલ્લા તંત્ર દ્વારા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગેસ સિલિન્ડરની ઉપલબ્ધતા, સ્ટોક સ્થિતિ અને વિતરણ પ્રક્રિયાની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સાથે સાથે છેવાડાના નાગરિક સુધી ગેસ પુરવઠો નિયમિત રીતે પહોંચે તે માટે માઈક્રો-પ્લાનિંગ તૈયાર કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરે સ્પષ્ટ જણાવ્યું હતું કે જિલ્લામાં ગેસનો પુરવઠો સુચારુ રીતે ચાલુ છે અને કોઈપણ પ્રકારની અછત ઊભી થવાની શક્યતા હાલ નથી.
કલેક્ટરે ગેસ સિલિન્ડરની કાળાબજારી, સંગ્રહખોરી અથવા ઘરેલુ ગેસનો વ્યાવસાયિક ઉપયોગ માટે ગેરકાયદેસર રીતે થતો ઉપયોગ અટકાવવા માટે કડક પગલાં લેવા અધિકારીઓને સૂચના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આવી ગેરરીતિઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને કોઈપણ સંજોગોમાં નિયમોનો ભંગ સહન કરવામાં આવશે નહીં.
આ ઉપરાંત આવશ્યક સેવાઓ માટે ગેસની ઉપલબ્ધતા સતત જળવાઈ રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. હોસ્પિટલ, શાળાઓ, હોસ્ટેલ, આંગણવાડી કેન્દ્રો અને અન્ય સામાજિક કલ્યાણ સંસ્થાઓને ગેસ સિલિન્ડરની સપ્લાયમાં પ્રાથમિકતા આપવામાં આવશે જેથી સામાન્ય જનજીવન પર કોઈ અસર ન પડે.
જિલ્લા તંત્ર દ્વારા ગેસ પુરવઠાની અસરકારક દેખરેખ માટે ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમ પણ અમલમાં મૂકવામાં આવી છે. અધિકારીઓ અને ગેસ એજન્સીઓ વચ્ચે વધુ સુમેળ જળવાઈ રહે તે માટે વોટ્સએપ ગ્રુપ મારફતે સંકલન વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ વ્યવસ્થાના માધ્યમથી દૈનિક સ્ટોક રિપોર્ટિંગ કરવામાં આવશે અને શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગેસ સિલિન્ડરની ઉપલબ્ધતાની સતત સમીક્ષા કરવામાં આવશે.
બેઠક દરમિયાન પુરવઠા વિભાગ અને પોલીસ વિભાગના અધિકારીઓને ગેસ એજન્સીઓ તથા વિતરણ વ્યવસ્થાની નિયમિત તપાસ કરવાની પણ સૂચના આપવામાં આવી હતી. ગેસ સિલિન્ડરના વિતરણ દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ કે અનિયમિતતા જણાય તો તાત્કાલિક કાર્યવાહી કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ગેસ સિલિન્ડર અંગે ફેલાતી અફવાઓથી દૂર રહે. અનાવશ્યક રીતે સિલિન્ડરનો સંગ્રહ ન કરે અને ગેસ પુરવઠા સંબંધિત કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ નજરે પડે તો તરત જ સંબંધિત અધિકારીઓને જાણ કરે. તંત્ર દ્વારા નાગરિકોને જરૂરી ગેસ પુરવઠો સમયસર ઉપલબ્ધ રહે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ ગેસ પુરવઠાની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવશે. જરૂરી હોય ત્યાં વધારાની સપ્લાય અને લોજિસ્ટિક વ્યવસ્થા ઉભી કરીને નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તેની ખાતરી કરવામાં આવશે.
આ બેઠકમાં વિવિધ ઓઇલ અને ગેસ કંપનીઓના અધિકારીઓ, પુરવઠા વિભાગના અધિકારીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ તેમજ પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં તમામ વિભાગો વચ્ચે સંકલન વધારવા અને ગેસ વિતરણ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી.




