રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે ડીસામાં રૂ. 25 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

15 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
રાજ્ય સરકારના સહયોગથી ડીસા શહેરમાં વિકાસના નવા પ્રોજેક્ટનો પ્રારંભ.રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે ડીસામાં રૂ. 25 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ.વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત’ના સપનાને સાકાર કરવા ડીસા મક્કમ -રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી
સિનિયર સિટીઝન્સ અને નગરજનો માટે ડીસામાં “ભારતમાતા”ના પ્રથમ ફેઝનું લોકાર્પણ કરતા રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી.રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે આજ રોજ ડીસા ખાતે ડીસા નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા અંદાજિત રૂ. 25 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના સહયોગથી ડીસા નગરપાલિકા વિસ્તારમાં અંદાજિત રૂ. ૨૫ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી પ્રોસેસિંગ પ્લાન્ટ, આઇકોનિક રોડનું નિર્માણ, સીસી રોડના કામો, ઓવરહેડ ટાંકીનું નિર્માણ તેમજ ભારત માતા ગાર્ડન સહિતના મહત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટ્સનો પ્રારંભ કરવામાં આવ્યો. આ વિકાસ કાર્યોના અમલીકરણથી શહેરમાં સુવિધાઓમાં વધારો થવા સાથે નાગરિકોને આધુનિક અને સુવ્યવસ્થિત નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ થવા તરફ મહત્વપૂર્ણ પગલું ભરાયું હોવાનું જણાવાયું હતું. શહેરના વિકાસને વધુ ગતિ આપવા માટે હાથ ધરાયેલા આ કાર્યો થકી નાગરિકોને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં વિકાસના નવા નવા અધ્યાયો રચાઈ રહ્યા છે. દેશ અને રાજ્ય આજે વિકાસની નવી દિશામાં આગળ વધી રહ્યા છે, જ્યાં નવા પડકારો પણ જીવનમાં આગળ વધવાનો ઉત્સાહ આપે છે. આજે ડીસા શહેરમાં આધુનિક સુવિધાઓ તરફ મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. અમદાવાદ, વડોદરા અને મુંબઈ જેવા શહેરોમાં જોવા મળતા સ્માર્ટ ટોયલેટની જેમ હવે ડીસા શહેરમાં પણ સ્માર્ટ ટોયલેટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ કાર્ય માટે ડીસા નગરપાલિકાને હાર્દિક અભિનંદન પાઠવું છું.
રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા પર વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે. શહેરના દરેક વોર્ડમાં 100% સફાઈ થાય તે માટે કરવામાં આવેલા પ્રયાસો પ્રશંસનીય છે. ઉપરાંત, નગરપાલિકા દ્વારા લગભગ 1 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં “ભારતમાતા”ના પ્રથમ ફેઝનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે શહેર માટે ગૌરવની વાત છે. ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને સિનિયર સિટીઝન્સ અને શહેરના લોકોને ઉપયોગી થાય તે માટે મીની પાર્ટી પ્લોટની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે, જે ડીસાના નગરજનો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. સાથે સાથે કચરાના વૈજ્ઞાનિક અને સાયન્ટિફિક નિકાલ માટે પણ યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.મંત્રીશ્રીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, ડીસા શહેરમાં આઇકોનિક રોડના ખાતમુહૂર્ત દ્વારા વિકાસને નવી દિશા આપવામાં આવી છે. નગરજનોને શુદ્ધ પીવાનું પાણી સહિત અનેક સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયાસ કરી રહી છે.વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની “સૌના સાથ, સૌનો વિકાસ” ની સંકલ્પનાને આગળ વધારતા આપણે સૌએ વિકાસ અને સ્વચ્છતાની દિશામાં સાથે મળીને આગળ વધવું જોઈએ. ગ્રીન અને સ્વચ્છ દિશામાં આગળ વધીને ડીસા શહેરને વધુ સુંદર અને વિકાસશીલ બનાવવાનો સંકલ્પ લઈએ.આ કાર્યક્રમમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી નીતાબેન ઠક્કર, રાજ્ય સભાના પૂર્વ સાંસદ સભ્ય શ્રી દિનેશભાઈ અનાવડીયા, સંગઠનના હોદ્દેદારો, વિવિધ પદાધિકારીઓ તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.










