
ફૈઝ ખત્રી, શિનોર
ડભોઈ ડેપોથી કરજણ જતી સવારે ૬:૩૦ વાગ્યાની શિડ્યૂલ નંબર 13 ની બસ અગાઉ કાયાવરોહણ બસ સ્ટેશન પર આવતી ન હોવાના મુદ્દે વાત્સલ્યમ સમાચાર દૈનિકમાં અહેવાલ પ્રસિદ્ધ થતાં ડભોઈ એસટી ડેપો દ્વારા હવે આ બસને કાયાવરોહણ બસ સ્ટેશન પર લાવવામાં આવી રહી છે. જેના કારણે સ્થાનિક મુસાફરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક મુસાફરોના જણાવ્યા મુજબ તેઓ દરરોજ સવારે કાયાવરોહણ બસ સ્ટેશન પર બસની રાહ જોઈને ઉભા રહેતા, પરંતુ આ બસ કાયાવરોહણ ચોકડી બાયપાસ પરથી જ પસાર થઈ જતી હતી. જેના કારણે વિદ્યાર્થીઓ, નોકરીયાતો અને અન્ય મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
આ પરિસ્થિતિને કારણે મુસાફરોને મજબૂરીમાં ખાનગી વાહનો દ્વારા કરજણ બસ સ્ટેશન સુધી જવું પડતું હતું. સ્થાનિક મુસાફરોની સમસ્યાને ધ્યાનમાં રાખી વાત્સલ્યમ સમાચારના રિપોર્ટર ફૈઝ ખત્રી દ્વારા થોડા દિવસો પહેલા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જેની અસર સ્વરૂપે ડભોઈ એસટી વિભાગે તાત્કાલિક પગલા લઈ આ બસને કાયાવરોહણ બસ સ્ટેશન સુધી લાવવાની વ્યવસ્થા કરી છે.
આ નિર્ણયથી સ્થાનિક મુસાફરો, નોકરીયાતો અને વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી અને તેમણે વાત્સલ્યમ સમાચાર પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.
વડોદરા ડી. સી. જિગ્નેશ ભાઈ પટેલ ડી. ટી. ઓ . સેજલ બેન.ડભોઇ ડેપો મેનેજર સોલંકી સાહેબ.એ.ટી.આઈ સંજય ભાઈ નો પણ મુસાફરો દ્વારા ખૂબ ખૂબ આભાર માન્યો હતો.




