હાલોલ:ખંડીવાળા નજીક નર્મદાની કેનાલમાંથી વડોદરાના યુવકનો મૂર્તદેહ મળ્યો,હાલોલ ફાયર ટીમે ભારે જેહમત બાદ મૂર્તદેહ બહાર કાઢ્યો

રિપોર્ટર. કાદિર દાઢી. હાલોલ
તા.૧૬.૩.૨૦૨૬
હાલોલના રામેશરા પાસે પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં વડોદરાના એક યુવકે કૂદકો મારતાં મોત થયું હોવાની ઘટના સામે આવી છે.આજે સોમવારે હાલોલ ફાયર ફાઇટર ટીમે બે દિવસની શોધખોળ બાદ યુવકનો મૃતદેહ ખંડીવાળા નજીકથી બહાર કાઢવામાં સફળતા મેળવી છે.મળતી માહિતી મુજબ શનિવારે વડોદરાથી પોતાના મિત્ર સાથે આવેલા યુવકએ નર્મદા કેનાલમાં કૂદકો માર્યો હતો. ઘટનાની જાણ સાંજે હાલોલ ફાયર વિભાગને થતા તરત જ નહેરમાં યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પરંતુ અંધારું થતાં કામગીરી બંધ કરવી પડી હતી. ત્યારબાદ રવિવારે પણ ફાયર ટીમ દ્વારા સતત શોધખોળ હાથ ધરવામાં આવી હતી.આ યુવક વડોદરાના વાલ્મિકીનગર વિસ્તારમાં રહેતો રોહિત ઠાકોરભાઈ વસાવા હોવાનું જાણવા મળ્યું છે. પરિવારજનો છેલ્લા બે દિવસથી નહેરમાં કૂદેલા રોહિતની શોધમાં હતા.આજે સોમવારે ખંડીવાળા નજીક નહેરમાં એક મૃતદેહ જોવા મળતા હાલોલ ફાયર ટીમે તેને બહાર કાઢ્યો હતો. પરિવારજનો દ્વારા મૃતદેહની ઓળખ રોહિત વસાવા તરીકે કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.માહિતી મુજબ રોહિતના થોડા સમય પહેલાં જ લગ્ન થયા હતા અને તેને પાંચ મહિનાનું બાળક હોવાનું પણ જાણવા મળ્યું છે. યુવકના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.








