GUJARAT

નર્મદા : ઇતિહાસમાં સૌપ્રથમ વખત એકતા પરેડ સવારના બદલે સાંજના સમયે યોજવાનું આયોજન, ઉચ્ચ અધિકારીઓની બેઠકો શરૂ

નર્મદા : ઇતિહાસમાં સૌપ્રથમ વખત એકતા પરેડ સવારના બદલે સાંજના સમયે યોજવાનું આયોજન, ઉચ્ચ અધિકારીઓની બેઠકો શરૂ

 

કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને આગામી રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૬ ની તૈયારીઓ અંગે એકતા નગર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

આગામી ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજાનારા ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ ની ભવ્ય ઉજવણી માટેની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરવા ભારત સરકારના કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને આજે એકતા નગરની મુલાકાત લીધી હતી. તેમણે કાર્યક્રમ સ્થળનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી ઉપસ્થિત તમામ વરિષ્ઠ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. આગામી ૩૧ ઓક્ટોબરના કાર્યક્રમના સુચારુ આયોજન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે એક વિસ્તૃત બેઠક પણ યોજી હતી.

ગોવિંદ મોહનએ સૌ પહેલાં હેલિપેડ ગ્રાઉડથી જ નિર્માણાધિન સાઈટનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન આરોગ્ય વન ખાતે સમગ્ર કાર્યક્રમ તેમજ નિર્માણાધિન સાઈટનું મેપ નિદર્શન નિહાળી વરિષ્ઠ અધિકારીશ્રીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ તેમની સાથે મુલાકાતમાં સાથે જોડાયા હતા. હેલીપેડથી ડેમ-વ્યૂપોઈન્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે માન. વડાપ્રધાન દ્વારા થતા પદપૂજા કાર્યક્રમ સ્થળનું નિરિક્ષણ કર્યું હતું. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે નર્મદા નિગમના ચેરમેન મુકેશ પુરીએ તેઓને સરદાર સાહેબની સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી. ત્યારબાદ ગોવિંદ મોહનએ ઉજવણી સંદર્ભે પ્રાથમિક સ્થળ નિરીક્ષણ કરીને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે રાષ્ટ્રીય એકતા પરેડ સંદર્ભે વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજીને રચનાત્મક સૂચનો કર્યા હતા.

*કાર્યક્રમમાં ઐતિહાસિક બદલાવ અને નવું આયોજન:*

 

બેઠકમાં થયેલી ચર્ચા મુજબ, આ વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનો વ્યાપ અને સ્તર અગાઉના વર્ષો કરતા ખૂબ જ વિશાળ અને ભવ્ય હશે. આયોજનની અંતિમ રૂપરેખા હજુ નક્કી કરવાની પ્રક્રિયા ચાલુ છે, પરંતુ પ્રાથમિક આયોજન મુજબ આ વર્ષે એક ઐતિહાસિક બદલાવ કરવામાં આવી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વર્ષ ૨૦૧૮માં લોકાર્પણ થયા બાદ રાષ્ટ્રીય એકતા દિવસની અત્યાર સુધી એકતા પરેડ હંમેશા સવારના સમયે યોજાતી આવી છે, પરંતુ આ વખતે સૌપ્રથમ વખત પરેડનું આયોજન સાંજના સમયે કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તદુપરાંત, આ વર્ષે પરેડનો રૂટ અને મુખ્ય કાર્યક્રમનું સ્થળ પણ અગાઉ યોજાયેલી પરેડ કરતા તદ્દન અલગ રાખવામાં આવશે.

*સાંસ્કૃતિક પ્રદર્શન અને રોશનીનો ઝગમગાટ:*

 

આ વર્ષની ઉજવણીનું એક મોટું આકર્ષણ સાંસ્કૃતિક કાર્યક્રમો રહેશે. દેશના વિવિધ રાજ્યોમાંથી ૫૦૦૦ થી વધુ કલાકારો એકતા નગર ખાતે આવીને પોતાના રાજ્યની વિશેષ કલા અને સાંસ્કૃતિક વારસાનું ભવ્ય પ્રદર્શન કરશે. આ ઐતિહાસિક અવસરને અનુરૂપ, રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સમગ્ર એકતા નગરને અદભુત લાઇટિંગથી શણગારવામાં આવશે, જેનાથી આખું એકતા નગર રોશનીથી ઝગમગી ઉઠશે.

 

*આકર્ષક ટેબ્લો અને ભવ્ય એર શો*

 

આ સમીક્ષા બેઠકમાં કાર્યક્રમના અન્ય મુખ્ય આકર્ષણો અને લોજિસ્ટિક્સ વ્યવસ્થાપન અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય એકતા પરેડ દરમિયાન દેશની ‘વિવિધતામાં એકતા’ ના દર્શન કરાવતા આકર્ષક ટેબ્લો (ઝાંખીઓ) રજૂ કરવામાં આવશે. આ ટેબ્લોના માધ્યમથી ભારતના વિવિધ રાજ્યોની સમૃદ્ધ કલા, સંસ્કૃતિ, પરંપરા અને ઐતિહાસિક વારસાની ભવ્ય પ્રસ્તુતિ કરવામાં આવશે. આ ઉપરાંત, આકાશમાં એક ભવ્યાતિભવ્ય એર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે શૌર્ય અને આધુનિકતાનું અદભુત દ્રશ્ય સર્જીને ઉપસ્થિત સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

 

આટલા વિશાળ સ્તરના રાષ્ટ્રીય કાર્યક્રમમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં મહાનુભાવો પધારવાના હોવાથી, બેઠકમાં માળખાગત સુવિધાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. એકતા દિવસની આ ભવ્ય ઉજવણીમાં સહભાગી થવા આવનાર આમંત્રિત મહેમાનો અને વી.વી.આઈ.પી. મહાનુભાવો માટે સુવિધાયુક્ત આવાસની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચનો અપાયા હતા. આ સાથે જ, આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે દિવસ-રાત ફરજ પર તૈનાત રહેનાર હજારો વરિષ્ઠ અધિકારીઓ, સુરક્ષાકર્મીઓ અને અન્ય સ્ટાફ માટે રહેઠાણ તથા ભોજન સહિતની તમામ આનુષંગિક વ્યવસ્થાઓ સમયસર અને સુચારુ રૂપે પૂર્ણ કરવા અંગે પણ બેઠકમાં ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.

 

*સરદાર સાહેબની ૧૫૧મી જન્મજયંતીને ઐતિહાસિક અને લોકાભિમુખ બનાવવાનો સંકલ્પ:*

 

અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતીના આ અનોખા અવસરને એક અવિસ્મરણીય અને ઐતિહાસિક ઘટના બનાવવા રાજ્ય અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા અત્યારથી જ કામગીરી કરવામાં આવી રહી છે. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી માત્ર વી.વી.આઈ.પી. મહાનુભાવો કે સત્તાવાર મહેમાનો પૂરતી જ સીમિત ન રહે, પરંતુ દેશ-વિદેશમાંથી એકતા નગરની મુલાકાતે આવતા હજારો પ્રવાસીઓ અને સામાન્ય નાગરિકો પણ આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમના પ્રત્યક્ષ સાક્ષી બની શકે તે દિશામાં અત્યારથી જ વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે.

 

પર્યટકો અને સ્થાનિકો સહેલાઈથી રાષ્ટ્રીય એકતા પરેડ, દેશના વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક પ્રદર્શનો અને આકાશમાં યોજાનાર અદભુત એર શોનો નજારો માણી શકે તે માટે આયોજન કરવામાં આવશે. પ્રવાસીઓને ઉજવણી નિહાળવામાં કોઈ અગવડ ન પડે તે માટે વિશાળ દર્શક ગેલેરીઓ, વ્યૂઈંગ પોઈન્ટ્સ અને કાર્યક્રમ સ્થળની આસપાસ વિશાળ એલ.ઈ.ડી. સ્ક્રીન્સ લગાડવામાં આવશે. આ રાષ્ટ્રીય કક્ષાના ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે સંબંધિત તમામ વિભાગોએ પરસ્પર સંકલન સાધીને કાર્યવાહી કરવા સૂચના આપી હતી

Back to top button
error: Content is protected !!