GUJARATVALSADVALSAD CITY / TALUKO

વલસાડમાં મહિલા કોર્પોરેટરની ભૂખહડતાળને આદિવાસી સમાજનું સમર્થન, રાજકારણ ગરમાયું

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

“સરકાર મહિલા વિકાસ અને સન્માનની વાતો કરે છે, તો પોતાના જ પક્ષની આદિવાસી મહિલા કોર્પોરેટર સાથે આવું ઓરમાયું વર્તન કેમ?” — ડો. નિરવ ભુલાભાઈ પટેલ

વલસાડ: વલસાડ નગરપાલિકાના આદિવાસી મહિલા કોર્પોરેટર જ્યોત્સનાબેન કમલભાઈ રાઠોડ દ્વારા નગરપાલિકાના ઉપપ્રમુખ સામે કથિત અપમાનના મુદ્દે શરૂ કરાયેલી ભૂખહડતાળ પાંચમા દિવસે પણ યથાવત રહેતા સમગ્ર મામલો હવે વલસાડના સ્થાનિક રાજકારણમાં ગરમાયો છે. આંદોલનને સમસ્ત આદિવાસી સમાજના આગેવાન ડો. નિરવ ભુલાભાઈ પટેલે સમર્થન આપતાં મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે.

જ્યોત્સનાબેન રાઠોડ છેલ્લા પાંચ દિવસથી નગરપાલિકામાં ચીફ ઓફિસર અને પ્રમુખની કચેરી બહાર ઉપવાસ પર બેઠા છે. તેઓ ગુજરાત નગરપાલિકા અધિનિયમ, 1963ની કલમ 37 મુજબ ઉપપ્રમુખ વિરુદ્ધ શોકોઝ નોટિસ જારી કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

આ મુદ્દે ખેરગામના યુવા આગેવાન ડો. નિરવ પટેલે ધરણાસ્થળે પહોંચીને જ્યોત્સનાબેનની મુલાકાત લીધી હતી અને તેમની રજૂઆત સાંભળી હતી. ત્યારબાદ તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, “એક તરફ સરકાર મહિલા વિકાસ અને મહિલા સન્માનની વાતો કરે છે, ત્યારે પોતાના જ પક્ષની આદિવાસી મહિલા કોર્પોરેટર ન્યાય માટે પાંચ દિવસથી ઉપવાસ પર બેસે અને તેમ છતાં તેની સમસ્યાનું નિરાકરણ ન આવે તે દુઃખદ છે.”

ડો. પટેલે વલસાડ નગરપાલિકાની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, નગરપાલિકા દ્વારા લોકો પાસેથી કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ તેની સામે રોડ-રસ્તા સહિતની પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં તંત્ર સતત નિષ્ફળ રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. તેમણે નગરપાલિકાના ગેરવહીવટ અંગે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “જ્યોત્સનાબેન જેવા બાહોશ મહિલા કોર્પોરેટર દ્વારા ગેરરીતિઓ કે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવામાં આવતો હોય અને તેના કારણે તેમને અન્યાયનો સામનો કરવો પડે તો આ સમગ્ર બાબતની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.”

ડો. નિરવ પટેલે જણાવ્યું કે આ સમગ્ર મામલે મુખ્યમંત્રી કાર્યાલય, મહિલા અને બાળ વિકાસ મંત્રી તથા વલસાડ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા પણ આ રજૂઆતને શહેરી વિકાસ વિભાગના સચિવને વધુ કાર્યવાહી માટે મોકલવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

“આદિવાસી સમાજના નેતાઓને મળવાનો સમય કેમ નહીં?”

ધરણાસ્થળે ઉપસ્થિત લોકોમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો. સમર્થકોએ સવાલ ઉઠાવ્યો હતો કે જો ધારાસભ્ય ભરતભાઈને કોર્પોરેટર જ્યોત્સનાબેનને મળવાનો સમય મળી શકે છે, તો આદિવાસી સમાજના આગેવાનોને મળવા માટે સમય કેમ આપવામાં આવતો નથી?

જ્યોત્સનાબેનના સમર્થકોએ ચીમકી ઉચ્ચારી હતી કે ટૂંક સમયમાં જો સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગાંધીચિંધ્યા માર્ગે કાયદેસરની લડત સાથે આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

મહિલા સન્માન, પક્ષની આંતરિક શિસ્ત અને આદિવાસી સમાજના પ્રતિનિધિત્વને લઈને ઊભા થયેલા આ પ્રશ્નો વચ્ચે હવે ભાજપના સ્થાનિક સંગઠન અને નગરપાલિકા તંત્ર આ મામલે શું પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાઈ છે.

Back to top button
error: Content is protected !!