
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
કોઈ અજાણ્યાને બાઇક આપતા પહેલા ચેતવા જેવો કિસ્સો ડાંગ જિલ્લામાં પ્રકાશમાં આવ્યો છે. બીટગાર્ડના નામે વિશ્વાસમાં લઈ વઘઈ તાલુકાનાં માનમોડીના ખેડૂતની બાઇક લઈને ગયો તે ગયો પાછો ફર્યો જ ન હતો.આ મામલે ખેડૂતે સાપુતારા પોલીસમથકમાં ફરિયાદ કરતાં સાપુતારા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર વઘઈના માનમોડી ગામે 50 વર્ષીય ખેડૂત લાહનુભાઈ મહાદુભાઈ પવાર રહે છે. ગત તા.12/2/2026ના રોજ સવારે આશરે 10 વાગ્યે લાહનુભાઈ અને તેમનો પુત્ર પ્રદીપ ખેતરમાં કામ કરી રહ્યા હતા. એ સમયે અંદાજે 35 વર્ષની વયનો, પાતળા બાંધાનો અને સફેદ શર્ટ તથા કાળું પેન્ટ પહેરેલો એક અજાણ્યો શખ્સ ત્યાં આવ્યો હતો. તેણે લાહનુભાઈને જણાવ્યું કે, બીટ ગાર્ડ સાહેબે મને ગામમાં ઠંડું પીણું લેવા મોકલ્યો છે,તમારી મોટરસાઇકલની ચાવી આપો, હું પાંચ મિનિટમાં પાછો આવી જઈશ.’ ખેડૂતે વિશ્વાસમાં આવી પોતાની હીરો સ્પ્લેન્ડર પ્લસ નં.(GJ-30-C-4445)ની ચાવી તેને આપી દીધી હતી. અજાણ્યો શખ્સ બાઈક લઈને ગયો એ પછી કલાકો સુધી પરત ન ફરતાં લાહનુભાઈએ ગામમાં અને આસપાસના વિસ્તારોમાં તપાસ કરી હતી. શરૂઆતમાં તેમને લાગ્યું કે, બાઈક ફોરેસ્ટ ઓફિસમાં હશે, પરંતુ એક મહિનો વીતી જવા છતાં બાઈક ન મળતાં આખરે તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. સાપુતારા પોલીસે આ મામલે ગુનો નોંધી રૂ.65,000ની કિંમતની મોટરસાઇકલની ચોરી અંગે તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ હઠુભા સરવૈયા ચલાવી રહ્યા છે..




