MORBI:મોરબી-રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: આઈસરે રિક્ષાને ઠોકર મારતા 9 વર્ષના બાળકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત

MORBI:મોરબી-રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: આઈસરે રિક્ષાને ઠોકર મારતા 9 વર્ષના બાળકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત
મોરબી/ટંકારા: મોરબી-રાજકોટ હાઈવે પર જબલપુરના પાટીયા પાસે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. પૂરઝડપે આવતા એક આઈસર ચાલકે રોડની સાઈડમાં ઉભેલી અતુલ શક્તિ રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારતા રિક્ષામાં સવાર એક માસૂમ બાળકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે પરિવારના અન્ય ત્રણ સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
મળતી માહિતી મુજબ, મોરબીના શનાળા બાયપાસ પાસે રહેતા સંજયભાઈ ગંગારામભાઈ ઉધરેજા અને તેમનો પરિવાર અતુલ રિક્ષા (નં. GJ-12-AY-1470) લઈને જઈ રહ્યા હતા. જબલપુરના પાટીયા પાસે આર્ય સ્કૂલ અને દેવ કુવર સ્કૂલની વચ્ચે રિક્ષા રોડની સાઈડમાં ઉભી હતી, ત્યારે પાછળથી પૂરઝડપે આવેલા આઈસર (નં. GJ-07-YY-5025) ના ચાલકે રિક્ષાના પાછળના ભાગે ધડાકાભેર ટક્કર મારી હતી.
જાનહાનિ અને ઈજાગ્રસ્તો આ અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષામાં સવાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી:
હરિ નવલભાઈ (ઉં.વ. 09): ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન આ માસૂમ બાળકનું મોત નીપજ્યું છે.
લીલાબેન હાકાભાઈ માંગડીયા (ઉં.વ. 50): માથાના ભાગે ટાંકા અને ખભામાં ફેક્ચર.જયશ્રીબેન નવલભાઈ: જમણા હાથમાં ફેક્ચર.હકાભાઈ: શરીરે મૂઢ ઈજાઓ.આ બનાવ અંગે સંજયભાઈ ઉધરેજાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં આઈસર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈસર નંબર GJ-07-YY-5025 ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. માસૂમ બાળકના મોતના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.










