THARADVAV-THARAD

કમોસમી વરસાદથી ખેડૂતો પર સંકટ, તૈયાર પાકને ભારે નુકસાન

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

વાવ–થરાદ જિલ્લામાં મોડી રાત્રે થયેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતાઓ વધારી દીધી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે પડેલા આ અચાનક વરસાદે ખેતરોમાં તૈયાર ઉભેલા પાકને ભારે અસર કરી છે. ખેડૂતો જે પાકની કાપણી માટે આતુર હતા, તે જ પાક હવે નુકસાનની ઝપેટમાં આવ્યો છે.
ખાસ કરીને એરંડા, ઘઉં, ઈસબગુલ અને વરિયાળી જેવા પાકોમાં મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ઘણા વિસ્તારોમાં પાક જમીન પર પડી જવાથી તેની ગુણવત્તા અને ઉપજ બંને પર અસર થવાની શક્યતા છે. જેના કારણે ખેડૂતોને આર્થિક ફટકો સહન કરવો પડી શકે છે.
ખેડૂતોના મતે, “મોંએ આવેલ કોળિયો છીનવાઈ ગયો” જેવી સ્થિતિ સર્જાઈ છે. વર્ષભરની મહેનત બાદ પાક તૈયાર થતાં જ કમોસમી વરસાદે સપનાઓ પર પાણી ફેરવી દીધું છે.
સ્થાનિક સ્તરે ખેડૂતો દ્વારા તાત્કાલિક સર્વે કરી નુકસાનનું મૂલ્યાંકન કરવા અને સરકાર તરફથી સહાય મળવાની માંગ ઉઠી રહી છે. જો સમયસર સહાય નહીં મળે તો અનેક ખેડૂતો માટે આ નુકસાન ભરપાઈ કરવી મુશ્કેલ બની શકે છે.

 

Back to top button
error: Content is protected !!