
વિજાપુરથી દ્વારકા, બોરસદ અને સાળંગપુર રૂટ પર નવી બસ સેવા શરૂ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ડેપો ખાતેથી ગુજરાટ રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ફાળવવામાં આવેલી ત્રણ નવીન “ગુર્જર નગરી” બસોને આજે ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન લીલી ઝંડી આપી જનસેવામાં કાર્યરત કરવામાં આવી હતી. આ નવી બસો વિજાપુરથી દ્વારકા, બોરસદ અને સાળંગપુર રૂટ પર દોડશે, જેના કારણે મુસાફરોને સરળ અને સુવિધાજનક મુસાફરી ઉપલબ્ધ બનશે.આ લોકાર્પણ પ્રસંગે વિજાપુર તાલુકાના ધારાસભ્ય ડૉ. સી.જે. ચાવડા, ભાજપ શહેરી પ્રમુખ અગનભાઈ બારોટ, તાલુકા મહામંત્રી પ્રિતેશભાઈ પટેલ, તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખ શ્રેયાન્સ ભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ મંત્રી રાજેશભાઈ પટેલ, પૂર્વ ચેરમેન હિતેન્દ્રસિંહ પરમાર તથા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વિજયભાઈ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ડેપો મેનેજર વી.સી. ચૌધરી, અધિકારીગણ અને એસ.ટી.ના ત્રણ માન્ય સંગઠનના આગેવાનો પણ હાજર રહ્યા હતા.
આ અવસરે વક્તાઓએ જણાવ્યું હતું કે નવી બસ સેવાઓ શરૂ થવાથી મુસાફરોને સમય બચત સાથે આરામદાયક મુસાફરી મળશે અને ગામડાં તથા શહેરોને જોડતી પરિવહન વ્યવસ્થા વધુ મજબૂત બનશે. ખાસ કરીને ધાર્મિક સ્થળો અને વેપારી કેન્દ્રોને સીધી કનેક્ટિવિટી મળતા યાત્રાળુઓ અને વેપારીઓને લાભ થશે.નવી બસો શરૂ થતાં સ્થાનિક મુસાફરોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે અને લાંબા સમયથી વધતી જતી મુસાફરીની માંગને પૂરી કરવામાં આ સેવા મહત્વપૂર્ણ સાબિત થશે.




