ARAVALLIGUJARATMODASA

મોડાસા–નડિયાદ રેલવે ફાટકો પર અન્ડરબ્રિજ/ઓવરબ્રિજ અને શામળાજી રોડ સ્ટેશન પર સુવિધાઓ વધારવાની માંગ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં રેલવે સુવિધાઓના અભાવ મુદ્દે કોંગ્રેસ દ્વારા રેલવે મંત્રીને રજૂઆત

મોડાસા–નડિયાદ રેલવે ફાટકો પર અન્ડરબ્રિજ/ઓવરબ્રિજ અને શામળાજી રોડ સ્ટેશન પર સુવિધાઓ વધારવાની માંગ

અરવલ્લી જિલ્લામાં રેલવે સુવિધાઓનો ગંભીર અભાવ હોવાથી સ્થાનિક નાગરિકોમાં અસંતોષ અને નિરાશા વધતી જઈ રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અરુણભાઈ પટેલ દ્વારા કેન્દ્ર સરકારના રેલવે મંત્રી Ashwini Vaishnaw તથા સંબંધિત રેલવે તંત્રને સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવાયું છે કે નડિયાદ–મોડાસા રેલવે લાઇન છેલ્લા અંદાજે છ વર્ષથી બંધ હાલતમાં છે, જેના કારણે અરવલ્લી જિલ્લાના હજારો મુસાફરોને દૈનિક અવરજવર માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ લાઇનને તાત્કાલિક ફરી શરૂ કરવા માટે સ્પષ્ટ માંગ કરવામાં આવી છે.નડિયાદથી મોડાસા વચ્ચે આશરે ૫૬ રેલવે ફાટકો આવેલા છે. ટ્રેન પસાર થાય ત્યારે આ ફાટકો લાંબા સમય સુધી બંધ રહેતા હોય છે, જેના કારણે માર્ગવ્યવહાર અવરોધિત થાય છે અને મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે વધે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ તરીકે તમામ ફાટકો પર અન્ડરબ્રિજ અથવા ઓવરબ્રિજ નિર્માણ કરવાની તાત્કાલિક જરૂરિયાત દર્શાવવામાં આવી છે.મોડાસા–શામળાજી રોડ રેલવે લાઇનનું કામ પૂર્ણતાના આરે હોવાનું પણ રજૂઆતમાં ઉલ્લેખાયું છે. જો નડિયાદ–મોડાસા રૂટ ફરી કાર્યરત કરવામાં આવે તો મુંબઈથી દિલ્હી વચ્ચે સીધી રેલવે કનેક્ટિવિટી ઉપલબ્ધ થઈ શકે છે, જે અરવલ્લી જિલ્લાના આર્થિક અને સામાજિક વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.ઉપરાંત, અરવલ્લી જિલ્લાના એકમાત્ર શામળાજી રોડ રેલવે સ્ટેશન પર પીઆરએસ (Passenger Reservation System), સીસીટીવી કેમેરા, પાર્કિંગ, પાર્સલ સેવા તથા મુસાફરો માટે બેસવાની શેડ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. આ તમામ સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા માટે માંગ કરવામાં આવી છે તેમજ શામળાજી રોડ રેલવે સ્ટેશન પર અસારવા–કોટા એક્સપ્રેસ (ટ્રેન નં. 19821) સહિત મહત્વપૂર્ણ ટ્રેનોને સ્ટોપેજ આપવાની પણ રજૂઆત કરવામાં આવી છે.અરવલ્લી જિલ્લાના જનહિત સાથે સીધા જોડાયેલા આ તમામ પ્રશ્નો અંગે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા માટે કોંગ્રેસ દ્વારા રેલવે મંત્રી ને સશક્ત રજૂઆત કરવામાં આવી છે.આજે મોડાસા રેલવે સ્ટેશનની અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરુણભાઈ પટેલ, વદનસિંહ મકવાણા,રાહુલભાઈ પટેલ,જયંતીભાઈ ચૌહાણ તેમજ આશુતોષ રાઠોડ સહિતનાઓએ મુલાકાત લીધી હતી

Back to top button
error: Content is protected !!