દેવગઢબારીયાની 7 વર્ષની આયશાબાનોએ રાખ્યા રમઝાન માસના આકરા 30 રોજા: કોમી એકતા અને દેશમાં શાંતિ માટે કરી વિશેષ દુઆ

તા.૨૧.૦૩.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Bariya:દેવગઢબારીયાની 7 વર્ષની આયશાબાનોએ રાખ્યા રમઝાન માસના આકરા 30 રોજા: કોમી એકતા અને દેશમાં શાંતિ માટે કરી વિશેષ દુઆ
હાલ મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. આ પવિત્ર માસમાં અલ્લાહની ઈબાદતનું વિશેષ મહત્વ હોય છે, ત્યારે દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકામાંથી ભક્તિ અને અતૂટ શ્રદ્ધાનો એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં રહેતી માત્ર સાત વર્ષની બાળકી આયશાબાનોએ જીવનના પ્રથમવાર આખા માસના 30 રોજા પૂર્ણ કરી સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. દેવગઢ બારીયાના કાદરી ફળિયામાં રહેતા ઈર્શાદભાઈ અરબની સુપુત્રી આયશાબાનોએ આ પવિત્ર માસ દરમિયાન કઠિન ઉપવાસ (રોજા) રાખીને ખુદાની બંદગી કરી હતી. આટલી નાની ઉંમરે, જ્યારે બાળકો ખાવા-પીવાની જીદ કરતા હોય છે, ત્યારે આયશાએ શિસ્તબદ્ધ રીતે ધાર્મિક પરંપરાનું પાલન કર્યું છે. દેશમાં અમન-શાંતિ માટે માગી દુઆ માત્ર ઉપવાસ જ નહીં, પરંતુ આયશાબાનોએ આ દરમિયાન વિશેષ પ્રાર્થના પણ કરી હતી. તેણે જણાવ્યું હતું કે ”મેં અલ્લાહ પાસે દુઆ કરી છે કે આપણા દેશમાં હંમેશા અમન અને શાંતિ કાયમ રહે. હિન્દુ-મુસ્લિમ તમામ સંપ્રદાયના લોકો હળીમળીને રહે અને દેશમાં કોમી એકતાની જ્યોત હંમેશા પ્રજ્વલિત રહે.”સમાજ માટે પ્રેરણારૂપ 7 વર્ષની આ બાળકીની આ હિંમત અને શ્રદ્ધા જોઈને સ્થાનિક મુસ્લિમ સમાજ તેમજ અન્ય લોકોમાં તેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. કાળઝાળ ગરમી વચ્ચે પણ આયશાએ એક પણ રોજો છોડ્યા વગર આખા મહિનાની ઈબાદત પૂર્ણ કરીને અન્ય લોકો અને ખાસ કરીને યુવાનો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પરિવારજનોમાં પણ દીકરીની આ ઉપલબ્ધિ અને તેની ઉમદા વિચારધારાને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે





