DAHODGUJARATLIMKHEDA

લીમખેડાના પ્રતાપુરામાં 17 વર્ષીય સગીરની જાન પરણવા જાય તે પહેલાં અટકાવાઈ

તા.૨૧.૦૩.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Limkheda:લીમખેડાના પ્રતાપુરામાં 17 વર્ષીય સગીરની જાન પરણવા જાય તે પહેલાં અટકાવાઈ

બાતમીના આધારે વહેલી સવારે પોલીસ અને બાળ સુરક્ષા વિભાગે સ્થળ તપાસ કરી લગ્ન અટકાવ્યા; વર-કન્યા પક્ષને કાયદાકીય સમજ આપી જાન રવાના થતા રોકી લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે આજે વહેલી સવારે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા બાળ લગ્ન અટકાવવા માટે ખૂબ જ સમયસૂચકતા પૂર્વક કાર્યવાહી કરવામાં આવી છે. એક 17 વર્ષીય સગીર યુવકની જાન મહીસાગર જિલ્લામાં પરણવા માટે ઘરેથી નીકળવાની તૈયારીમાં જ હતી, તે પૂર્વે જ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી અને લીમખેડા પોલીસની ટીમે આકસ્મિક સ્થળ તપાસ કરી લગ્ન અટકાવ્યા હતા. તંત્રની આ તાત્કાલિક અને સફળ કાર્યવાહીને પગલે સગીર વયે થતા લગ્નની કુપ્રથા રોકવામાં સફળતા મળી છે.ઘટનાની વિગતવાર માહિતી મુજબ, લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે રહેતા એક પરિવારના આશરે 17 વર્ષના સગીર પુત્રના લગ્ન મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સીમલીયા ગામે નક્કી કરવામાં આવ્યા હતા. સગીર વરરાજાની જાન ધનજીભાઈ જીવાભાઈ રાવળની દીકરી નીલમકુમારી સાથે પરણવા માટે આજે તારીખ 20/03/2026 ના રોજ વહેલી સવારે ઘરેથી રવાના થવાની હતી. જાન નીકળવાની અંતિમ તૈયારીઓ ચાલી રહી હતી, વાહનો તૈયાર હતા અને પરિવારજનોમાં લગ્નનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.જોકે, આ બાળ લગ્ન અંગેની ગુપ્ત ફરિયાદ અગાઉના દિવસે જ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી, દાહોદની કચેરીને મળી હતી. ફરિયાદ મળતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને વહેલી સવારનું આયોજન કરવામાં આવ્યું હતું. 20મી માર્ચની વહેલી સવારે જ્યારે જાન પ્રતાપુરા ગામથી સીમલીયા જવા રવાના થવાની તૈયારીમાં જ હતી, ત્યારે જ લીમખેડા પોલીસ સ્ટાફ અને બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની સંયુક્ત ટીમે ગામમાં આકસ્મિક રીતે પહોંચીને સ્થળ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વરરાજાના જરૂરી દસ્તાવેજો ચકાસતા તેની ઉંમર લગ્ન માટેની કાયદેસરની 21 વર્ષની વય કરતા ઓછી એટલે કે 17 વર્ષ માલુમ પડી હતી.જાન ઘરેથી નીકળે તે પૂર્વે જ અધિકારીઓએ સ્થળ પર પહોંચી પરિવારને કાયદાનું ભાન કરાવ્યું હતું. ટીમ દ્વારા બંને પક્ષોને ‘બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006’ ની કાયદાકીય જોગવાઈઓ વિશે વિગતવાર સમજ આપવામાં આવી હતી. સગીર વયે લગ્ન કરવા એ કાયદાકીય ગુનો હોવાનું અને તેમાં થતી સજાની જોગવાઈઓ સમજાવતા પરિવારજનોને પોતાની ભૂલ સમજાઈ હતી. પરિણામે, કાયદાના આદર સાથે જાન રવાના થતા પહેલા જ અટકાવી દેવામાં આવી હતી.આ મહત્વની કામગીરીમાં બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરીથી ચીફ પ્રોબેશન અધિકારી આર.પી. ખાટા, તાલુકા સહાયક વિક્રમભાઈ ચારેલ, વિજયભાઈ ભાભોર અને પરેશભાઈ મકવાણા જોડાયા હતા. આ ઉપરાંત જિલ્લા બાળ સુરક્ષા અધિકારી એસ.કે. તાવિયાડ, પ્રોટેક્શન અધિકારી (બિન સંસ્થાકીય સંભાળ) આર.પી. ભુરીયા તથા એન.બી. બરજોડ અને લીમખેડા પોલીસ સ્ટાફ દ્વારા ખૂબ જ પ્રશંસનીય અને જરૂરી કામગીરી કરવામાં આવી હતી. તંત્રની આ કામગીરીથી સમગ્ર પંથકમાં બાળ લગ્ન વિરુદ્ધ જાગૃતિનો સંદેશ ફેલાયો છે.

Back to top button
error: Content is protected !!