BANASKANTHAPALANPUR

રાજ્ય શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ ડીસા સ્થિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની મુલાકાત લીધી

22 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

ગુજરાતની ૨૫૯ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયોમાં ૩૩,૦૦૦થી વધુ દીકરીઓ મેળવી રહી છે ગુણવત્તાયુક્ત શિક્ષણ:- મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા ઘરથી દૂર પણ ઘર જેવું વાતાવરણ: શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીનીઓ સાથે આત્મીયતાપૂર્વક સંવાદ કરીને સુવિધાઓની સરાહના કરી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની રાજ્ય શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે કાર્યરત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV)ની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ શૈક્ષણિક અને રહેણાંક સુવિધાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ વિદ્યાર્થિનીઓ સાથે અત્યંત આત્મીયતાપૂર્વક સંવાદ સાધ્યો હતો. આ પ્રસંગે મંત્રી શ્રીમતી રિવાબાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં દીકરીઓનું યોગદાન પાયારૂપ સાબિત થશે. તેમણે વિદ્યાર્થીનીઓને પોતાના રસ અને રુચિ મુજબના ક્ષેત્રમાં નીડરતાથી આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા.તેમણે જણાવ્યું હતું કે, જીવનમાં સફળતા માટે શિક્ષણની સાથે સંસ્કાર અને નૈતિક મૂલ્યોનું પણ એટલું જ મહત્વ છે.
મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ વિદ્યાર્થિનીઓના ભાવિ લક્ષ્યો વિશે વ્યક્તિગત પૃચ્છા કરી હતી અને તેમના સપનાઓને સાકાર કરવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રાજ્યમાં શિક્ષણના વ્યાપ અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં અંદાજે ૨૫૯ જેટલી KGBV કાર્યરત છે, જેમાં ૩૩,૦૦૦ થી વધુ દીકરીઓ સુરક્ષિત અને સમૃદ્ધ વાતાવરણમાં અભ્યાસ કરી રહી છે. આ શાળાઓ દીકરીઓને ઘરથી દૂર હોવા છતાં ‘ઘર જેવું વાતાવરણ’ પૂરું પાડે છે, જ્યાં તેમના પોષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. શિક્ષણ વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવતી આ સુવિધાઓની સરાહના કરતા મંત્રીશ્રીએ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
નોંધનીય છે કે, ડીસા સ્થિત આ વિદ્યાલયમાં સરકારશ્રી દ્વારા ધોરણ ૬ થી ૧૨ સુધીની ૨૦૦ જેટલી દીકરીઓને રહેવા, જમવા અને ભણવાની સંપૂર્ણ સુવિધા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા આ શાળાનું પરિણામ ૧૦૦ ટકા રહ્યું છે, જે ગૌરવની બાબત છે. સરકાર દ્વારા અહીં દીકરીઓને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ કૌશલ્ય વર્ધક તાલીમ અને જીવન કૌશલ્યોનું શિક્ષણ પણ આપવામાં આવે છે. આ પ્રકારના પ્લેટફોર્મ થકી દીકરીઓ આત્મવિશ્વાસ સાથે સન્માનભેર સમાજમાં આગળ વધી રહી છે, જે રાજ્ય સરકારની મહિલા સશક્તિકરણની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

Back to top button
error: Content is protected !!